(એજન્સી) તા.૧૧
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના ગવર્નર શક્તિકાંત દાસે શનિવારે કહ્યું હતું કે કોવિડ-૧૯ના પગલે લાદવામાં આવેલા લોકડાઉનના નિયંત્રણઓમાં છેલ્લા બે મહિનાથી અપાયેલી ભારે છૂટછાટના પગલે દેશનું અર્થતંત્ર સામાન્ય સ્થિતિ તરફ પાછુ ફરી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે. જો કે આ મહામારીના પગલે આગામી દિવસોમાં ભારે સાવચેતી રાખવાની પણ ખાસ જરૂર છે એમ તેમણે ઉમેર્યું હતું. કોરોના વાઇરસનો ખતરો હજુ પણ ઝળૂંબી રહ્યો હોઇ માંગ અને પૂરવઠાની ચેઇન ખોરવાયેલી રહી છે, તે ઉપરાંત છેલ્લા બે મહિનાથી લોકડાઉનના મોટાભાગના નિયંત્રણો ઉઠાવી લેવાયા હોવા છતાં દેશનું અર્થતંત્ર મધ્યસત્ર દરમ્યાન કેવો દેખાવ કરશે તે બાબત તદ્દન અનિશ્ચત છે એમ કહેતા આરબીઆઇના ગવર્નરે કોવિડ-૧૯ની મહામારીને સ્પષ્ટરૂપે છેલ્લા ૧૦૦ વર્ષની અભૂતપૂર્વ આરોગ્યની અને અર્થતંત્રની કટોકટી ગણાવી હતી. હાલની પરિસ્થિતિ સાણે રિઝર્વ બેંકે જે નીતિવિષયક પગલાં જાહેર કર્યા હતા તે અસરકારક પૂરવાર થઇ રહ્યાં છે તેમ છતાં હજુ આગળ જતાં આ સ્થિતિની વધુ કાળજીપૂર્વકની સમીક્ષા કરવાની જરૂર છે એમ દાસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સાતમા સંમેલનને સંબોધતા કહ્યું હતું. દેશના નાણાંકીય ક્ષેત્રને તેઓના નિયંત્રણોમાં તાજેતરમાં આપવામાં આવેલી છૂટછાટો ઉપર સહેજપણ આધાર રાખ્યા વિના સામાન્ય કામકાજ તરફ પાછા ફરવાનું રહેશે, કેમ કે દેશનું અર્થતંત્ર પણ હવે ધીમે ધીમે સામાન્ય સ્થિતિ તરફ પાછું ફરી રહ્યું હોવાના સંકેત આપી રહ્યું છે એમ દાસે કહ્યું હતું. દેશની મધ્યસ્થ બેંક માટે દેશનો આર્થિક વિકાસેએ ટોચની પ્રાથમિકતા છે, પરંતુ તે સાથે નાણાંકીય સ્થિરતાને પણ સમાન મહત્વ અને પ્રાથમિકતા અપાવી જોઇએ એમ કહેતાં દાસે કોરોના મહામારીને સ્પષ્ટરૂપે છેલ્લા ૧૦૦ વર્ષની અભૂતપૂર્વ આરોગ્યની અને અર્થતંત્રની કટોકટી ગણાવી હતી. કોવિડ-૧૯ની મહામારીએ આપણું અર્થતંત્ર અને આપણી ફાઇનાન્સિયલ સિસ્ટમ કેટલી મજબૂત અને ધરખમ છે તેની કદાચ કસોટી કરી રહી છે એમ દાસે ઉમેર્યું હતું. કોવિડ-૧૯ની મહામારીની સામે લડત આપવામાં રિઝર્વ બેંકે ભજવેલી ભૂમિકાનું ચિત્ર રજૂ કરતાં દાસે કહ્યું હતું કે રિઝર્વ બેંકે ગત ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં રૂા.૯૫૭ લાખ કરોડની નાણાંકીય તરલતાના પગલાં જાહેર કર્યા હતા જે દેશના કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (જીડીપી)ના ૪.૭ ટકા જેટલી રકમ થાય છે.