વિશ્વભરમાં ફેલાયેલી કોરોના મહામારીએ સામાજિક તાણાવાણા વેરવિખેર કરી નાખ્યા છે. સંબંધોમાં અને સંબંધો નિભાવવામાં પણ ઓટ આવી ગઈ છે. લગ્ન સહિતના સામાજિક પ્રસંગો અને મરણ પ્રસંગોમાં પણ હવે તો સંખ્યા મર્યાદિત થઈ ગઈ છે. જો કે આ નિયમ મોટાભાગે શહેરોમાં જ અમલી બનાવાઇ રહ્યો છે જ્યારે ગામડાઓમાં તો એ જ અપની તો પાઠશાલા મસ્તી કી પાઠશાલા જેવી જિંદગી લોકો વિતાવી રહ્યા છે. ઉક્ત તસવીરમાં એક ગામડાની સડક પરથી માલધારી પોતાના ઘેટાં – બકરાં લઈને મસ્તીની પળો માણતો જઈ રહ્યો છે. નથી તેમને કોરોનાની ફિકર કે માસ્ક પહેરવાની ચિંતા તેમને તો બસ પોતાના ઘેટાં-બકરાં પેટ ભરીને ચારો ચરી રહે એટલે ઘર તરફ જવાની ઉતાવળ હોય છે. એક તરફ પ્રગતિની નિશાનીરૂપ પાણીની કેનાલ, વચ્ચે પછાત ગામડામાં જતો કાચો રસ્તો અને બીજી બાજુ લહેરાતા ખેતરો એ શહેરી અને ગ્રામ્ય બંને જીવનનું દ્રશ્ય ઉજાગર કરે છે. શિયાળાની વહેલી સવારે અને ઢળતી સંધ્યાએ ક્યારેક ગામડાનો આંટો મારી આવજો તો ખરેખર કુદરતના સાંનિધ્યમાં સમય પસાર કરવાનો આનંદ મળશે. આ દૃશ્ય જોઈ નાનપણમાં વાંચેલી કવિતા યાદ આવી જાય છે “એવા આવે છે ધરતીના સાદ રે હાલો ભેરું ગામડે.”