(સંવાદદાતા દ્વારા)

ગાંધીનગર,તા.૧૩

સમગ્ર દેશને પગલે ગુજરાત રાજયમાં છેલ્લા પાંચ માસ કરતા વધુ સમયથી કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થવાનું નામ લેતું નથી. એટલું જ નહીં આટલા સમયગાળા દરમ્યાને કોરોના વાયરસના કેસોમાં વધારો થતો જ ગયો છે અને હવે ઉછાળારૂપ વધારા સાથે રોજના કેસોનો આંક ૧૩૦૦થી પણ વધી જવા પામેલ છે રાજયમાં છેલ્લા ર૪  કલાકમાં કોરોનાના વધુ નવા ૧૩ર૬ કેસ બહાર આવ્યા છે. જેમાં સૌથી વધુ ર૮૧ કેસ સાથે સુરત ટોચ પર રહેવા પામેલ છે. જયારે રાજયમાં કોરોનામાં મૃત્યુનું પ્રમાણ જાણે સરેરાશ જાળવી રહ્યું હોય તેમ છેલ્લા સપ્તાહથી ૧૪-૧પ-૧૬ની આસપાસ જ રહે છે. ર૪ કલાકમાં વધુ ૧પ વ્યકિતઓએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે. બીજી તરફ રાજયમાં કોરોનામાંથી સાજા થનારાના રોજેરોજ બહાર આવતા આંકડા રાહતરૂપ છે. રાજયમાં વધુ ૧ર૦પ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહ્યા છે. જેને પગલે રાજયનો કોરોનાનો રિકવરી રેટ વધીને ૮ર.૭૧ ટકાએ પહોંચ્યો છે. રાજયમાં આજે કોરોના ટેસ્ટમાં થોડોક ઘટાડો કરાતા ૬૮,૮ર૮ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોના મહામારીમાં રાજ્યની સ્થિતિ ચિંતાજનક સ્તરે આગળ વધી રહી છે. રોજેરોજ ઊંચે જતાં કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૧૩૨૬ પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૧૩,૬૬૨એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૧૫ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૨૧૩એ પહોંચ્યો છે. કોરોનાના પોઝિટિવ કેસોના આંક જોઈએ તો ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન ૧૭૫, અમદાવાદ કોર્પોરેશન ૧૫૧, સુરત ૧૦૬, જામનગર કોર્પોરેશન ૯૯, રાજકોટ કોર્પોરેશન ૯૯, વડોદરા કોર્પોરેશન ૮૫, રાજકોટ ૫૨, ભાવનગર કોર્પોરેશન ૩૯, વડોદરા ૩૯, મહેસાણા ૩૨, ભાવનગર ૩૦, પંચમહાલ ૩૦, ગાંધીનગર ૨૯, કચ્છ ૨૮, અમરેલી ૨૫, અમદાવાદ ૨૧, ભરૂચ ૨૧, જામનગર ૨૧, જૂનાગઢ ૧૯, સુરેન્દ્રનગર ૧૯, બનાસકાંઠા ૧૮, દાહોદ ૧૭, ગાંધીનગર કોર્પોરેશન ૧૭, જૂનાગઢ કોર્પોરેશન ૧૭ તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ૧થી ૧૬ જેટલા કેસ બહાર આવ્યા છે. આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ કોર્પોરેશન ૪, સુરતમાં ૬, ભરૂચ ૧, ભાવનગર ૧, રાજકોટ કોર્પોરેશન ૧, વડોદરામાં ર વ્યક્તિએ દમ તોડ્યો હતો, આમ આજે વિતેલા ૨૪ કલાકમાં કુલ ૧૫ લોકોનાં મોત નિપજ્યા છે જેને પગલે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૨૧૩એ પહોંચ્યો છે. રાજ્યમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૯૪,૦૧૦ નાગરિકો કોરોનામાંથી સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ કોરોનાના કુલ કેસમાંથી ૧૬,૪૩૯ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૮૭ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૬,૩૫૨ની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર જણાવવામાં આવી રહી છે. રાજ્યમાં કોરોના ટેસ્ટના વધુ પ્રમાણ સાથે અત્યાર સુધીમાં કુલ ૩ર.૮૮ લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યભરમાં આજ દિન સુધીમાં ૭.૪ર લાખ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.