(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૬
કોરોના વાયરસનું સંક્રમણ વ્યાપક વધારા સાથે રાજ્યભરમાં જારી રહેલ છે. જેમાં રાજ્યના પાંચથી સાત જેટલા જિલ્લાઓમાં તો કોરોના પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે સરકારી તંત્રની ચિંતા વધવા સાથે દોડધામ પણ વધી જવા પામી છે. રાજ્યમાં બે-ત્રણ દિવસ કોરોનાના રોજના કેસોમાં આંશિક ઘટાડો થયા બાદ આજે ફરી વધારો જોવા મળ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યભરમાં કોરોનાના વધુ નવા ૧૧૯૭ કેસ બહાર આવ્યા છે. જેમાં સૌથી વધુ કેસોમાં સુરત જ મોખરે રહેલ છે. તો કોરોનામાં મૃત્યુના પ્રમાણમાં પણ બે દિવસથી ફરી વધારો જોવા મળી રહ્યો છે. ર૪ કલાકમાં રાજ્યમાં વધુ ૧૭ વ્યક્તિઓ કોરોનામાં મોતને ભેટી છે. બીજી તરફ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાના મામલે રાહતરૂપ જારી છે. જેમાં આજે વધુ ૧૦૪૭ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહેલ છે. જેને પગલે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને ૮૦.રર ટકાએ પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં કોરોના ટેસ્ટમાં વધારો કરવાનું યથાવત રહેતા આજે મોટી સંખ્યામાં એટલે કે ૭૭,૯૪૯ કોરોના ટેસ્ટ કરાયા હોવાનું સરકારી તંત્ર તરફથી જણાવાયું છે. કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તરે આગળ વધી રહી છે. આજે રાજ્યમાં કોરાનાનાં કેસમાં અચાનક વધારો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે નવા ૧૧૯૭ પોઝિટિવ કેસ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૯૦,૧૩૯એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૧૭ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૨૯૪૭એ પહોંચ્યો છે.
કોરોના પોઝિટિવ કેસના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત શહેર-જિલ્લામાં રપ૩, અમદાવાદ શહેર-જિલ્લામાં ૧૬૩, વડોદરા જિલ્લામાં ૧ર૪, જામનગર કોર્પોરેશન ૭૯, રાજકોટ કોર્પોરેશન ૭૭, અમરેલી ૩૪, પંચમહાલ ૩૧, ભરૂચ ૨૯, ભાવનગર કોર્પોરેશન ૨૭, કચ્છ ૨૪, બનાસકાંઠા ૨૩, ગાંધીનગર ૨૩, રાજકોટ ૨૨, મહેસાણા ૨૧, પાટણ ૨૧, ગાંધીનગર કોર્પોરેશન ૨૦, દાહોદ ૧૯, ભાવનગર ૧૮, મોરબી ૧૭, ગીર સોમનાથ ૧૬, જુનાગઢ ૧૫, જુનાગઢ કોર્પોરેશન ૧૪ તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ૧થી ૧૪ જેટલા કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લામાં પ, રાજકોટ જિલ્લામાં-૪, સુરત જિલ્લામાં-૪ તેમજ વડોદરા કોર્પોરેશન ૨, દાહોદ-૧ ગીર સોમનાથ-૧ વ્યક્તિએ વ્યક્તિએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે.
વિતેલા ૨૪ કલાકમાં કુલ ૧૭ લોકોના મોત નિપજતા ગુજરાતમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૨૯૪૭એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૭૨,૩૦૮ નાગરિકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ કોરોનાના કુલ કેસમાંથી ૧૪,૮૮૪ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૮૬ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૪,૭૯૮ની સ્થિતિ સરકારી તંત્ર દ્વારા સ્થિર બતાવવામાં આવી રહી છે. બીજી તરફ રાજ્યમાં રોજે-રોજ ઉત્તરોત્તર કોરોના ટેસ્ટમાં વધારો જારી રહેતા ર૪ કલાકમાં વધુ પ્રમાણમાં એટલે કે ૭૭૯૪૯ ટેસ્ટ કરાયા હતા. જેને પગલે રાજ્યમાં અત્યારસુધીમાં કુલ ૧૯.૬૯ લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવેલ છે. રાજ્યભરમાં હાલમાં કુલ ૪.૭૭ લાખ લોકો ક્વોરન્ટાઈન કરવામાં આવેલ છે.
Recent Comments