• કોરોનાના વધતા કેસ સામે એટલી જ સંખ્યામાં સાજા થતાં દર્દીઓ રાહતજનક : વધુ ૧૧ર૩ સાજા થયા ! • રાજ્યભરમાં કોરોનાના કુલ ૮૩,ર૬ર કેસ : કોરોનામાં કુલ ર૮પપએ જાન ગુમાવી ! • રાજ્યમાં કોરોનામાંથી સાજા થનારાનો આંક ૬૬ હજારની નજીક

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૦
કોરોના વાયરસનું સંક્રમણ રાજ્યમાં હાહાકાર સર્જી રહ્યું છે. રોજેરોજ કોરોના પોઝિટિવ વધારા સાથે જારી છે અને તેમાં હજુ પણ રાજ્યના પાંચથી છ જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના નવા ૧૧૭પ ઉછાળારૂપ કેસો બહાર આવ્યા છે જેમાં આજે પણ સુરત ટોપ પર રહેતા સૌથી વધુ ર૩૭ કેસ નોંધાવવા પામેલ છે. જ્યારે રાજ્યમાં કોરોનામાં મૃત્યુનું વધુ પ્રમાણ જારી રહેતા આજે વધુ ૧૬ વ્યક્તિઓ મોતને ભેટી છે બીજી તરફ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર દિવસેને દિવસે વધી રહ્યો હોઈ રાહતજનક છે. ર૪ કલાકમાં વધુ ૧૧ર૩ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહેલ છે જેને પગલે રાજ્યનો કોરોનાનો રિકવરી રેટ વધીને ૭૯.ર૧ ટકાએ પહોંચ્યો છે. જ્યારે વડાપ્રધાન મોદીની ટકોર બાદ રાજ્યમાં કોરોના ટેસ્ટમાં વધારો કરાતા હવે રોજેરોજ રેકર્ડ બ્રેક ટેસ્ટ કરાઈ રહ્યા છે જેમાં આજે અત્યાર સુધીમાં સૌથી વધુ ૬૮,પ૮૧ કોરોના ટેસ્ટ કરાયા છે. રાજ્યમાં પ્રતિ મિલિયન વસ્તીએ ર૩,પ૪૯ ટેસ્ટ કરાય છે તે નેશનલ એવરેજ રર,૯૯૮ પ્રતિ મિલિયન વસ્તી કરતા વધુ હોવાનો દાવો સરકાર તરફથી કરાયો છે. રાજ્યભરમાં કોરોના મહામારીનો વ્યાપ વધવાની સાથે રોજના પોઝિટિવ કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે જેની સામે સરકારી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ કોરોનાનું સંક્રમણ ઓછું થવાનું નામ લઈ રહ્યું નથી. રાજ્યમાં રોજના કોરોના કેસોમાં વધારો જારી રહેતા હવે ૧૧૦૦થી ૧ર૦૦ વચ્ચે રોજના કેસ બહાર આવી રહ્યા છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યભરમાં વધુ નવા ૧૧૭પ કેસ બહાર આવ્યા છે જેમાં સૌથી વધુ સુરત શહેરમાં ૧૬૩ અને ગ્રામ્યમાં ૭૪ મળી કુલ ર૩૭ કેસ નોંધાયા છે તે પછી અમદાવાદ શહેરમાં ૧પપ અને ગ્રામ્યમાં ૧૭ મળી કુલ ૧૭ર કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા, રાજકોટ, જામનગર, પંચમહાલ, ભાવનગર, કચ્છ સહિતના જિલ્લાઓમાં કેસો વધુ પ્રમાણમાં બહાર આવી રહ્યા છે જેમાં વડોદરા જિલ્લામાં ૧૧૮ કેસ, રાજકોટ જિલ્લામાં ૯૮ કેસ, જામનગરમાં ૭૩, ભાવનગરમાં પપ, પંચમહાલમાં ૪ર, કચ્છમાં ૩પ, દાહોદમાં ૩ર, જૂનાગઢમાં ર૭, મોરબીમાં ર૬, ગાંધીનગર-અમરેલીમાં રપ-રપ કેસ તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ૧થી રર જેટલા કેસ નોંધાવવા પામેલ છે. આ સાથે રાજ્યભરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૮૩,ર૬ર કેસ થવા પામ્યા છે. રાજ્યમાં કોરોનાના સંક્રમણને લઈ મૃત્યુના દરમાં એ જ રીતે વધારો જોવા મળી રહેલ છે. ર૪ કલાકમાં રાજ્યભરમાં વધુ ૧૬ વ્યક્તિ કોરોનામાં મોતને ભેટી છે જેને પગલે રાજ્યભરમાં અત્યાર સુધીમાં કોરોનામાં કુલ ર૮પપ લોકોએ જીવ ગુમાવ્યા છે. આજે સૌથી વધુ સુરત શહેર જિલ્લામાં ૭ વ્યક્તિનાં મોત થયેલ છે. જ્યારે અમદાવાદમાં ચારનાં મોત થયા છે તો રાજકોટમાં ર તથા ગાંધીનગર, મહેસાણા અને વડોદરા જિલ્લામાં ૧-૧ વ્યક્તિનાં મૃત્યુ નિપજેલ છે. બીજી તરફ રાજ્યભરમાં કોરોનામાંથી સાજા થવાનો વધતો જતો આંક રાહતરૂપ છે. ર૪ કલાકમાં રાજ્યભરમાં વધુ ૧૧ર૩ દર્દી સાજા થયેલ છે જેને પગલે રાજ્યભરમાં અત્યાર સુધીમાં કુલ ૬પ,૯પ૩ લોકો કોરોનામુક્ત થયા છે. રાજ્યમાં હાલમાં કુલ ૧૪,૪પ૪ કોરોનાના એક્ટિવ કેસ છે તે પૈકી ૮૬ને વેન્ટિલેટર પર રાખવામાં આવેલ છે. જ્યારે અન્ય ૧૪,૩૬૮ની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર બતાવવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ મુજબ રાજ્યમાં દિન-પ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ ૬૧ લેબોરેટરી કાર્યરત છે. રાજ્યમાં આજે કુલ ૬૮,પ૮૧ ટેસ્ટ કરવામાં આવ્યા, આ સાથે અત્યાર સુધી કુલ ૧૫,૪૭,ર૧૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે.