(એજન્સી) ન્યૂયોર્ક, તા.૧૧
ટેક વિશ્વની એક અજોડ ઘટના રૂપે બે કટ્ટર હરીફ ગૂગલ અને એપલએ હાથ મીલાવી લીધા છે. આ બંને હરીફોએ કોઇ બિઝનેસ નહીં પરંતુ કોરોનાના કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે અજોડ ગઠબંધન રચ્યું છે. બંનેએ એક સંયુક્ત યાદી પ્રગટ કરીને આ માહિતી આપી છે.
ગૂગલ અને એપલ બંને દ્વારા જારી કરાયેલી આ યાદી મુજબ તેઓ કોન્ટેક્ટ ટ્રેસિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી તેમના યૂઝર્સને તેઓ કોઇ કોવિડ-૧૯ના પોઝિટિવ દર્દીના સંપર્કમાં કે સમીપ આવ્યા છે કે, કેમ તે અંગે એલર્ટ કરી દેશે. આ ટેકનોલોજી બ્લૂટૂથ આધારિત હશે.
બંને કંપનીઓની સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે, વિશ્વભરમાં અગ્રણી જાહેર આરોગ્ય સંસ્થાનો, યુનિવર્સિટીઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ કોન્ટેકટ ટ્રેસિંગ ટેક્નોલોજીના વિકલ્પો અજમાવવાના પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રયાસોને બળ આપવા માટે ટૂલ્સ વિકસાવવા એપલ અને ગૂગલ ડેવલપર્સ ટૂલ્સ તરીકે ઓળખાતાં એપ્લીકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (એપીઆઇ) તથા ઓપરેટિંગ સિસ્ટમ ટેકનોલોજી ધરાવતાં સોલ્યૂશન ઉપલબ્ધ કરાવશે. બંને કંપનીઓ પોતપોતના એપ સ્ટોરમાં આગામી મે મહિનામાં એપ્પસ રિલિઝ કરશે. આ એપ બ્લ્યૂટૂથ આધારિત કોન્ટેક ટ્રેસિંગ પ્લેટફોર્મ હશે. બંને કંપનીઓનાં ટૂલ્સ એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ વચ્ચે ઇન્ટરઓપરેબિલિટી ધરાવતાં હશે.
એપલના સીઇઓ ટીમ કૂકે જણાવ્યું હતું કે, કોન્ટેક ટ્રેસિંગ થકી કોવિડ-૧૯ના પ્રસારને ધીમો પાડવામાં મદદ મળશે અને કોઇ યૂઝરની પ્રાઇવસીનું ઉલ્લંઘન કર્યા વિના આ હેતુ સિદ્ધ કરી શકાશે.