દેશમાં વેક્સિન ક્યારે આવશે તે સરકાર નહીં વૈજ્ઞાનિકો જ નક્કી કરી શકશે, દેશમાં કોરોનાનો ચોથો તબક્કો, આ સ્થિતિ લાંબી ચાલશે, લોકો માનવા લાગ્યા છે કે, કોરોના નબળો પડ્યો પરંતુ આ સમયે બેદરકારી ન દાખવો; વેક્સિન અંગે કેટલાક લોકો રાજનીતિ કરી રહ્યા છે, પરંતુ કોઈને રાજનીતિ કરતાં રોકી ન શકાય, રેપિડની સાથેRT-PCR ટેસ્ટ વધારવા જરૂરી : બેઠકમાં દિલ્હી, ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને
રાજસ્થાનના મુખ્યમંત્રી સામેલ રહ્યા; કોરોના અંગે ‘મેરી કસ્તી વહાં ડૂબી જહાં પાની કમ થા’ તેવી સ્થિતિ નહીં આવવા દઈએ : મોદી

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
આખા દેશમાં કોરોના મહામારી બેકાબૂ થઈ ગઈ છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એક્શન મોડમાં આવી ગયા છે અને વડાપ્રધાન મોદીએ આજે ૨ જુદી-જુદી વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં તેઓએ પહેલાં દેશના ૭ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી જેમાં પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, છત્તીસગઢ અને હરિયાણાના મુખ્યમંત્રીઓ સાથે કોરોના મહામારી અને તેની વેક્સિનના ડિસ્ટ્રિબ્યુશનની સ્ટ્રેટેજી પર ચર્ચા કરી હતી.
કોરોનાની સ્થિતિ અંગે આઠ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથેની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું હતું કે, વેક્સિન એટલે કે કોરોનાની રસી ક્યારે આવશે તેના અંગે કશું કહી શકાય. કેટલાક લોકો વેક્સિન અંગે રાજકારણ રમે છે, રાજકારણ કરતાં કોઈને રોકી ન શકાય, વેક્સિન વૈજ્ઞાનિકોના હાથમાં છે.
‘કહી કસ્તી વહા ડૂબી જહાં પાની કમ થા’, એમ કહેવાની સાથે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કોરોના સામેની લડાઈના મોરચે આ સ્થિતિ નહીં આવવા દઈએ. કોરોના આવ્યો ત્યારે તેને લઈને ઘણો ડર હતો. પણ હવે તેના અંગે તેટલો ડર નથી, તેનો ડર ભલે ન હોય, પરંતુ તેના અંગે સાવચેતી જરૂરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની સ્થિતિ અંગે ગુજરાત સહિત દેશના આઠ રાજ્યો સાથેના મુખ્યપ્રધાનો સાથેની બેઠક પછી જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના ચોથો તબક્કો ચાલી રહ્યો છે. આ સ્થિતિ હજી લાંબી ચાલશે, તેથી લોકોએ કોરોના જતો રહ્યો છે તેમ માની અસાવધ થવાની જરૂર નથી. રેપિડ એન્ટિજન ટેસ્ટની સાથે હવે દૈનિક ધોરણે આરટી-પીસીઆર ટેસ્ટ પણ વધારવા જરૂરી છે. જો લોકો સાવચેત ન રહ્યા તો ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા વધી શકે છે, જે સ્થિતિ હાલમાં તહેવારો પછી જોવા મળી રહી છે, આમ છતાં પણ આપણી સ્થિતિ અન્ય દેશો કરતાં વધારે સારી છે.
કોરોના વેક્સિન અંગે મોદીએ જણાવ્યું હતું કે, કોરોનાની રસીના મોરચે અનેક સમાચાર આવી રહ્યા છે, પણ કોરોનાની રસી ક્યારે આવશે તે વૈજ્ઞાનિકો નક્કી કરશે, તેની કિંમત કેટલી હશે, તેના કેટલા ડોઝ લેવા પડશે તેના અંગે હજી સુધી કશું જ નક્કી થયું નથી. કોઈ કોરોનાની રસીને લઈને રાજકારણ કરે તો અમે તેને રોકી ન શકીએ. આ હાથ મારા અને તમારા હાથની વાત નથી. વૈજ્ઞાનિક પ્રક્રિયાને આધીન છે. તેમણે લોકોને કોરોના માટેની માર્ગદર્શિકાઓનું પાલન કરવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતમાં કોરોનાનો રિકવરી રેટ સારો છે.
ભારત સરકાર આ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને રાજ્યોને પણ તેની માહિતી આપી રહી છે. કેટલાય લોકોએ હવે કોરોના થાય તો તેની બીમારી છૂપાવે છે, આવું ન થવું જોઈએ. કોરોનાના મોરચે લોકોએ જરા પણ બેદરકારી દાખવવી ન જોઈએ. કેટલાક રાજ્યોમાં કોરોનાની સ્થિતિ ઘણી ખરાબ છે. આ સમયે બધાએ એકબીજા સાથે સહયોગ સાધવો જરૂરી છે. રાજ્યોને કોરોના સામે લડવા સહાય પેટે બે-બે હજાર કરોડની રકમ આપવામાં આવી છે.