ચાર વખત મુદ્દત લંબાવાઈ : ૩૧મી જાન્યુઆરીની અંતિમ તારીખ

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.રપ
રાજ્યમાં કોરોના મહામારીના કાળમાં શિક્ષણ સહિતના ક્ષેત્રે ઘેરી અસર થવા પામી છે. અભ્યાસથી લઈને નવા પ્રવેશ વગેરેના પ્રશ્નો ઊભા થવા પામ્યા છે. ત્યારે ધો.૯થી ૧રના વિદ્યાર્થીઓના શાળા પ્રવેશને મુદ્દે પણ અગાઉ સરકાર તરફથી સમય મર્યાદા વધારવામાં આવ્યા બાદ હવે તા.૩૧ જાન્યુઆરીની આખરી મુદ્દત આપવામાં આવી છે. આ સમય દરમ્યાન પ્રવેશ મેળવી નહીં લેવા માટે આખરી તક આપવામાં આવી છે. કોવિડની મહામારીમાં અગાઉ ઘણા વિદ્યાર્થીઓના શાળા પ્રવેશ અંગેનો મુદ્દો ચગ્યો હતો. ધો.૯થી ૧રના ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત રહેતા સરકાર તરફથી સૌપ્રથમ તા.૩૦/૯/ર૦ર૦ની મુદ્દત આપવામાં આવી હતી, તે બાદ વધુ એક માસ માટે મુદ્દત વધારી તા.૩૧/૧૦/ર૦ર૦ કરાઈ હતી, તે પછી પણ ઘણા વિદ્યાર્થીઓના પ્રવેશ રહી જતાં રજૂઆત બાદ સમય મર્યાદા વધારીને તા.૩૧/૧ર/ર૦ર૦ કરવામાં આવી હતી. દરમ્યાન આ મુદ્દત બાદ પણ વિદ્યાર્થીઓ શાળા પ્રવેશથી રહી જતાં તે અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સમક્ષ રજૂઆતો થતાં આખરે બોર્ડ આજે ફરી એકવાર સમયમર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે.
બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ અંગેની સૂચના પાઠવતા પરિપત્ર જારી કરી જણાવ્યું છે કે, હવે ધો.૯થી ૧૨માં પ્રવેશથી વંચિત રહી ગયેલ વિદ્યાર્થીઓને ૩૧/૦૧/૨૦૨૧ સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી મેળવી શાળામાં પ્રવેશ આપી શકાશે. કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે પ્રવેશવંચિત વિદ્યાર્થીઓ માટે સમયમર્યાદા લંબાવવાની આ અંતિમ તક છે. આ પછી હવે મુદ્દત લંબાવવામાં આવશે નહીં તેવી સ્પષ્ટતા પણ પરિપત્રમાં કરવામાં આવી છે.