(એજન્સી) તા.૧૯
પૂણેના બુધવાર પેઠ વિસ્તારમાં રહેતી અને દેહનો વ્યવસાય કરતી સેક્સ વર્કર પૈકીની મોટા ભાગની મહિલાઓએ હવે દેહનો વ્યવસાય છોડી દેવાની ઇચ્છા વ્યક્ત કરવા સાથે જીવનનિર્વાહ માટે અન્ય કોઇ વિકલ્પ શોધી કાઢવા ગંભીરતાથી વિચારી રહી છે.
છેલ્લા બે દાયકાથી સેક્સ વર્કરોની વચ્ચે રહીને કામ કરતી સામાજિક સંસ્થા આશા કેર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વે દરમ્યાન મોટાભાગની સેક્સ વર્કર મહિલાઓએ હવે દેહ વ્યવસાય છોડી દેવાની વાત કરી હતી. દેહનો વ્યવસાય છોડી દેવા માટે તેઓએ જે ઇચ્છા વ્યક્ત કરી છે તેની પાછળ બે કારણો જવાબદાર છે. પહેલું કારણ એ છે કે હાલ છેલ્લા છ-સાત મહિનાથી ચાલી રહેલી કોરોના મહામારીના કારણે તેઓની આવક શૂન્ય સ્તરે પહોંચી ગઇ છે અને બીજું કે વેશ્યાલય ચલાવતા માલિકો કે મેનેજરો દ્વારા તેઓનું સતત થતું શોષણ.
સર્વે હાથ ધરનારી ટીમને ૮૭ ટકા સેક્સ વર્કરોએ કહ્યું હતું કે કોરોના મહામારી ત્રાટકી તે પહેલાં પણ તેઓની આવક તેમના પરિવારના જીવન નિર્વાહ માટે પૂરતી થઇ રહે એટલી નહોતી. દેહના વ્યવસાયમાં રહેલી મોટાભાગની મહિલાઓમાં શિક્ષણનું સ્તર તદ્દન નહિવત હોવાથી અને નોકરી મેળવી શકાય એવી કોઇ ટેલેન્ટ કે ડિગ્રી ન હોવાના કારણે તેઓને મજબૂરીથી દેહના વ્યવસાયમાં આવવાની અને આ એક વિષચક્રમાં ફસાઇ જવાની ફરજ પડતી હોય છે.
મોટાભાગની સેક્સ વર્કર હવે દેહનો વ્યવસાય છોડી દઇને જીવન નિર્વાહ માટે અન્ય વિકલ્પો શોધવાનું વિચારી રહી છે એમ સર્વેમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું. તેઓની યાતનાઓની ઊંડી તપાસ કરતાં સર્વે દરમ્યાન એમ પણ જાણવા મળ્યું હતું કે મોટા ભાગની સેક્સ વર્કરોને એવી ભીતિ અને દહેશત છે કે કોરોના મહામારીની વિદાય થતાંની સાથે જ તેઓનો ધંધો ફરીથી ધમધમતો થઇ જશે. તેઓની આ દહેશત જ દર્શાવે છે કે તેઓ હવે આ વ્યવસાયમાં વધુ સમય રહેવા માંગતી નથી.
કોરોના મહામારીના સમયગાળા દરમ્યાન તેઓની આવક તદ્દન બંધ થઇ ગઇ હતી, એટલું જ નહીં પરંતુ ગ્રાહકની વધારાની સેવા કરીને મળેલી વધારાની રકમ કે ટીપ દ્વારા તેઓ કેટલીક રકમની દરરોજ બચત કરતી હતી પરંતુ હવે તેઓની આવક જ્યારે સદંતર બંધ થઇ ગઇ હતી ત્યારે તેઓને પોતાની અત્યાર સુધી કરેલી બચતોને પણ વાપરી નાંખવાની ફરજ પડી હતી. ૯૯ ટકા જેટલી સેક્સ વર્કરોને જો તક આપવામાં આવે તો તેઓ દેહનો વ્યવસાય છોડીને જીવન નિર્વાહ માટે અન્ય વિકલ્પો સ્વીકારવા તૈયાર છે એમ સર્વેમાં કહેવામાં આવ્યું હતું.