(સરફરાઝ મનસુરી)
અમદાવાદ,તા.ર૮

 

 

‘પાકી’ (સ્વચ્છતા) અડધુ ઈમાન છે. ઈસ્લામમાં આ એક ખૂબ મહત્ત્વનો સિદ્ધાંત છે. ઈસ્લામમાં પોતાની જાતને, પોતાના ઘરને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવાનો ખાસ નિર્દેશ આપવામાં આવ્યો છે. હઝરત મુહમ્મદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)એ પણ સફાઈનું મહત્ત્વ સમજાવ્યું છે. ઈસ્લામ ધર્મના આ ઉત્તમ આદેશને જીવનમાં અમલી બનાવતા આગામી ઈદ-ઉલ-અઝહાના તહેવારને પગલે અલ-ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ‘સ્વચ્છ જુહાપુરા અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે. આ ખાસ ઝુંબેશ હેઠળ સંસ્થાના કાર્યકરો દ્વારા કુરબાનીના પશુઓની હોજરી સહિતના કચરાના નિકાલ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જે હેઠળ પ્લાસ્ટિકની થેલીઓનું વિતરણ કરવામાં આવશે. લોકોને આ થેલીઓમાં હોજરી સહિતનો બગાડ ભરવાનો રહેશે અને ત્યારબાદ સંસ્થાના કાર્યકરો દ્વારા સમગ્ર જુહાપુરામાં ઘરે-ઘરે જઈ આ કચરો ઉપાડી તેનો જંતુનાશક દવાનો છંટકાવ કરી યોગ્ય નિકાલ કરવામાં આવશે.
અલ-ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટના અનિશ દેસાઈએ ‘ગુજરાત ટુડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે છેલ્લા ત્રણ વર્ષથી દર ઈદ-ઉલ-અઝહા પ્રસંગે આ કામગીરી કરીએ છીએ. પણ આ વખતે કોરોનાની મહામારીના કારણે વિશેષ તકેદારી દાખવવામાં આવી છે. આ કામમાં લગભગ ૩૦ જેટલા કાર્યકરો જોડાયેલા છે જેઓ ઘરે-ઘરે જઈ હોજરી સહિતનો કચરો ઉઘરાવે છે અને તેનો નિકાલ કરે છે. અમે એક પણ રૂપિયો લીધા વિના આ સેવા આપીએ છીએ, અમારો મુખ્ય ઉદ્દેશ સફાઈ રાખવાનો અને વિસ્તારમાં દુર્ગંધ ન ફેલાય તે માટેનો છે. આ કામ માટે અમે ચારથી પાંચ લોડિંગ રિક્ષાઓ અને દ્વિચક્રી વાહન સહિતના સંસાધનોનો ઉપયોગ કરી છીએ એટલુ જ નહીં અમે સ્વખર્ચે ત્રણ દિવસમાં આખા જુહાપુરાની સફાઈ કરી દવાનો છંટકાવ કરીશું. જેથી ઈસ્લામના સફાઈના ઉત્તમ વિચારને જીવંત બનાવી શકાય. અનિશ દેસાઈએ જણાવ્યું હતું કે, તેમની આ કામગીરીને મુખ્યમંત્રી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સંસ્થાઓ દ્વારા પણ બિરદાવવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કર્મચારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, આ સંસ્થાના કામથી અમને ખૂબ મદદ મળી રહે છે. લોકોમાં જાગૃતિ આવી છે અને તેઓ યોગ્ય રીતે આ બગાડનો નિકાલ કરવા સભાન બન્યા છે. સંસ્થા દ્વારા વિશાલાથી ફતેહવાડીના છેવાડાના વિસ્તાર સહિત સમગ્ર જુહાપુરામાં આ પ્રશંસનીય સેવા બજાવવામાં આવે છે. જુહાપુરામાં રહેતા આફતાબ અન્સારીએ જણાવ્યું હતું કે આ એક ખૂબ સારી કામગીરી છે. વધુથી વધુ લોકો આ સેવાનો લાભ લઈ વિસ્તારને સ્વચ્છ રાખે તે વર્તમાન સમયની માંગ છે.

ઈસ્લામના સ્વચ્છતાના મહત્ત્વપૂર્ણ આદેશને અમલી બનાવતાં અલ-ફલાહ
ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જુહાપુરામાં લોકો વચ્ચે વિનામૂલ્યે પ્લાસ્ટિકની મોટી થેલીઓનું વિતરણ કરી પશુઓની હોજરી સહિતના કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી વિસ્તારમાં સફાઈ રહે અને દુર્ગંધ ન ફેલાય