૬ મ્યુનિ. કોર્પો.- પપ પાલિકા-૩૧ જિ.પં.-ર૩૧ તા.પંચાયતની નવેમ્બરમાં ચૂંટણી થવાની હતી
(સંવાદદાતા દ્વારા)  ગાંધીનગર, તા.૧ર
રાજ્યમાં આગામી માસમાં ચૂંટણી અંગેની મોસમ ફરી ખીલવાની હતી અને તે અંગે તૈયારીઓ પણ શરૂ થઈ જવા પામી હતી. જો કે, કોરોના મહામારીની પ્રવર્તમાન સ્થિતિમાં પોઝિટિવ કેસો યથાવત્‌ રીતે જારી રહેતા તેમજ રાજ્યભરમાં વિવિધ સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજાવાની હોઈ સંક્રમણ વધવાની શક્યતા જોતાં રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી ત્રણ મહિના માટે મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.
રાજ્યભરમાં કોરોના વાયરસના વધતા વ્યાપ અને રોજના ૧૩૦૦ની આસપાસ નોંધાતા કેસોને પગલે સરકારી તંત્રની દોડધામ જારી છે. ત્યારે આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં પ્રજાજનોને અસર કરતી મ્યુનિ. કોર્પોરેશન, નગરપાલિકાઓ તથા તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજવા સામે પ્રશ્નો ઊભા થતાં વિવિધ સ્તરેથી રજૂઆતો પણ થઈ રહી હતી જેને લઈ આજે રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી હાલ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં આગામી નવેમ્બરમાં વિધાનસભાની પેટાચૂંટણી તેમજ સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની થતી હતી જેમાં ૬ મહાનગરપાલિકા, ૫૫ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત તથા ૨૩૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની મુદ્દત નવેમ્બરમાં પૂરી થઈ રહી છે. પરંતુ પંચાયતોની ચૂંટણીની કવાયત્‌ ખૂબ જ મોટી બની રહે તેમ હોવાથી ચૂંટણીપંચ પણ અવઢવમાં હતું. કેટલાક દિવસોથી કોર્પોરેશન તથા પંચાયતોની ચૂંટણી મોડી થવાની અટકળો ચાલી જ રહી હતી. આ અંગે ચૂંટણીપંચે જાહેરનામું બહાર પડ્યું છે અને જણાવ્યું છે કે, આગામી ત્રણ માસ પછી કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી વર્ષ ૨૦૧૫માં થઈ હતી જેની મુદ્દત નવેમ્બરમાં પૂરી થઈ રહી છે. રાજ્યમાં ૮ વિધાનસભાની પેટાચૂંટણીઓ ૩ નવેમ્બરે યોજાનાર છે ત્યારે પાલિકા-પંચાયતની સામાન્ય ચૂંટણીઓ પણ નવેમ્બર-ડિસેમ્બરમાં નિયત સમયે યોજવા માટે રાજ્ય ચૂંટણી આયોગ તૈયારી કરી રહ્યું હતું. કોરોના સંક્રમણના પગલે ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા ૧૫ જેટલા વિવિધ કર્મચારી મંડળો દ્વારા ચૂંટણી યોજવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિવિધ સ્તરેથી આયોગને રજૂઆતો પણ કરાઈ હતી.