ચૂંટણી આયોગ દ્વારા તૈયારીઓ શરૂ : તા.પ જાન્યુ.એ પ્રાથમિક મતદારયાદી જારી કરાશે

 

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.રપ
રાજ્યમાં મહાપાલિકા-પાલિકા સહિતની સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે ચૂંટણીપંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યમાં કોરોના મહામારીની સ્થિતિને લઈને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી બે તબક્કામાં યોજવાની શક્યતાઓ ચૂંટણીપંચ ચકાસી રહ્યું હોવાની વિગતો સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. આ ચૂંટણીઓ અંગે તા.પમી જાન્યુઆરીએ મતદારયાદીની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજવા માટે ચૂંટણીપંચ તજવીજ હાથ ધરી છે, જેમાં પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી અને બીજા તબક્કામાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીની વિધિવત જાહેરાત ઉત્તરાયણ પછી થાય એવી શક્યતા છે. બે તબક્કામાં યોજાનારી આ ચૂંટણીની મતગણતરી તો એકસાથે કરવામાં આવશે. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલાં મહત્ત્વની ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં યોજાવાની શક્યતા છે. આ મુદ્દે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તમામ જિલ્લા કલેકટરો સાથે મહત્ત્વની વિડિયો-કોન્ફરન્સ યોજવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે અને મતગણતરી એકસાથે કરવામાં આવે એવી શક્યતા છે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં પંચાયતોની ચૂંટણી યોજાશે, જેમાં કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવાની થતી તૈયારીઓ, પોલીસસ્ટાફ, મતદાનમથકો, ચૂંટણીસ્ટાફ વગેરે બાબતો પર પરામર્શ કરવામાં આવ્યો હતો.
ચૂંટણી વખતે મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ તથા પોલીસને ફેસ સીલથી માંડીને સેનેટાઈઝર આપવામાં આવશે. જેમાં મતદારો માટે પણ સેનેટાઈઝરની વ્યવસ્થા ગોઠવાશે.
ગુજરાતમાં ૮ વિધાનસભાની પેટાચૂંટણી બાદ ફરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તો રાજય ચૂંટણીપંચ દ્વારા પણ આ અંગેની સમીક્ષા શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ફેબ્રુઆરી મહિનાના બીજા સપ્તાહમાં યોજાવાની શક્યતા છે.
ગુજરાતમાં ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અંગે ચૂંટણીપંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત તથા ૬ મહાનગર પાલીકા અને ૫૧ નગરપાલિકાની આવનારા સમયમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ચૂંટણીપંચ દ્વારા ૫મી જાન્યુઆરીએ મતદાર યાદીની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ કરાશે. અને આખરી મતદાર યાદી જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.