(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૪
વડોદરામાં કેવલ જાદવ મર્ડર કેસના આરોપી સુરજ કહાર દ્વારા જામીન મળતા ઘર સુધી પહોંચવા રેલી કઢવામાં આવી હતી જેની સામે સુયશ સહાય દ્વારા એડવોકેટ જયદેવ આચાર્ય મારફત આજે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. કોરોના મહામારીને લઈને પ્રતિબંધો લાગુ હોવા છતાં અને આ પ્રકારની રેલી કાઢી સમાજમાં દહેશત ફેલાવાની કોશિશ આરોપી દ્વારા કરવામાં આવી હોવાની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે. તા.૪/૪/૨૦ના રોજ આરોપી સુરજ કહારને ડિસ્ટ્રીક્ટ કોર્ટે કેવલ જાદવ મર્ડરના આરોપી સુરત કહારની ગાડીને ઓવરટેક કરતા આરોપી તથા તેના મિત્રોએ મારામારી કરી અને હત્યા કરી તે બાબતે જામીન આપેલ છે અને ત્યારબાદ સુરજ કહારનાઓએ ઓડી કારમાં બેસીને મિત્રો સાથે રેલી સ્વરૂપે નીકળીને સરઘસ કાઢેલ અને જેલથી વારસિયા પોતાના ઘરે ગયેલ. સદર સરઘસને વચ્ચે આવેલ ૧૦થી ૧૫ પોલીસ પોઈન્ટ પર રોકવામાં આવેલ નહીં અને તેનો વીડિયો યુટ્યૂબ પર વાયરલ થતાં ૮/૪/૨૦ના રોજ પોલીસે ક્રમાંક ૧૮૮ મુજબનો ગુનો નોંધેલ અને સુરજના મિત્રોની ધરપકડ કરેલ પરંતુ સુરજ પોતે નાસી ગયેલ છે. સૂરજની જામીન અરજી સંબંધે ત.ક. અમલદારનાઓએ સોગંદનામાંના પેરા અઠ્ઠાવીસમાં આરોપી સુરજ વિરૂદ્ધ અગાઉ કોઈ ગુનો નોંધાયેલ નથી તેમ જણાવેલ હોય કોર્ટે જામીન પર મુક્ત કરેલ. પરંતુ ખરી હકીકતમાં સુરજ સામે લગભગ ૧૧ ગુના નોંધાયેલ હતા. ઉપરોક્ત હકીકત અને સુરજે કાઢેલી રેલીથી સમાજમાં ભય પેદા થતો હોય તથા કેવલ જાદવના ખૂનના સાક્ષીઓમા ભય પેદા કરીને વડોદરા શહેરમાં ‘ઓર્ગેનાઈઝ્‌ડ ક્રાઈમ એન્ડ ઓર્ગેનાઈઝડ ગેંગસ’ ઊભી થાય તેવી દહેશત હોય તથા પોલીસ દ્વારા થયેલ રેલી નહીં રોકવાની બેદરકારી સામે તથા પોલીસે જામીન કેન્સલ કરવા અંગેની કોઈ કાર્યવાહી કરેલ ન હોય, પિટિશનર સૂયશ સહાય એ તેના એડવોકેટ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરેલ છે જેમાં મુખ્યત્વે માગણી કરેલ છે કે, રેલી રોકવાની દરકાર ન કરનાર પોલીસ કર્મીઓ વિરૂદ્ધ ઈન્કવાયરી કરવી અને યોગ્ય પગલાં ભરવા. જામીન રદ કરવાની કાર્યવાહી કરવા પોલીસને આદેશ આપવા. ભવિષ્યમાં આ પ્રકારનું શક્તિ પ્રદર્શન ના થાય તે માટે પોલીસ દ્વારા આચારસંહિતા કરવા ગઢવી. આજરોજ તા.૨૪/૬/૨૦ના રોજ આ પિટિશનની સુનાવણી થતાં હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢેલ અને સરકાર તથા પોલીસ કમિશનર વડોદરાને પિટિશનના દરેક મુદ્દે વિગતવાર જવાબ રજૂ કરવા નોટિસ ફટકારી છે. સરકારી વકીલે શુક્રવાર સુધીમાં જવાબ રજૂ કરવા કોર્ટને વિનંતી કરતા વધુ સુનાવણી તા.૨૬/૬/૨૦ના રોજ રાખેલ છે.