(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૧
કોરોના મહામારીમાં શાળા-કોલેજો બંધ રહેતા વિદ્યાર્થીઓેના શિક્ષણ ઉપર અસર થઈ હોઈ ચાલુ વર્ષના અંતે તેઓના શૈક્ષણિક પ્રદર્શન સામે સવાલો ઊભો થઈ રહ્યા છે. ત્યારે હવે ધો.૧૦ના બોર્ડના વિદ્યાર્થીઓ તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આંતરિક ગુણ ૨૦થી વધારી ૩૦ કરવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદ રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને ઈન્ટરનલ માર્ક્‌સ ૨૦થી વધારીને ૩૦ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોના વાયરસના કહેરના પગલે આગામી બે વર્ષ સુધી ધોરણ-૧૦ની પરીક્ષામાં ઈન્ટરનલ માર્ક્‌સ ૨૦થી વધારીને ૩૦ કરવામાં આવે. એટલું જ નહીં, યુનિવર્સિટીની પરીક્ષાઓમાં પણ આ જ પદ્ધતિથી ઈન્ટરનલ માર્ક્‌સ અપાતા હોય તો ત્યાં પણ તેનો અમલ કરવા રજૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અને અન્ય બોર્ડની જેમ ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષા પદ્ધતિમાં ૨૦ ગુણ શાળા કક્ષાએ ઈન્ટરનલ માર્ક્‌સ રાખવામાં આવ્યા છે. માર્ચ ૨૦૨૦માં કોરોનાના મહામારી દરમિયાન બોર્ડની પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષાઓના પરિણામ પણ ખાસ સંતોષકારક નહોતા. પરિણામ ઘટવાને કારણે ગ્રાન્ટેડ શાળાઓની નિભાવ ગ્રાન્ટને પણ સીધી અસર થઈ હતી. ગત માર્ચથી બંધ કરાયેલી શાળાએ આજથી શરૂ થઈ ગઈ છે. બોર્ડ દ્વારા અગાઉથી ધોરણ ૯-૧૨ના અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મે ૨૦૨૧માં યોજાનારી બોર્ડની પરીક્ષા આ અભ્યાસક્રમ મુજબ જ લેવામાં આવશે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, ૨૦૨૧-૨૦૨૨ના વર્ષમાં લેવાનારી બોર્ડની પરીક્ષામાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાકક્ષાએ ૨૦ ગુણના બદલે ૩૦ ગુણ આંતરિક મૂલ્યાંકન માટે ફાળવવામાં આવે તો રાજ્યના વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષણ જગત માટે આશીર્વાદ સમાન હોઈ શકે છે. એટલું જ નહીં, રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં પણ સ્નાતક કક્ષાએ અને અનુસ્નાતક કક્ષાએ રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે ૩૦ ગુણ આંતરિક મૂલ્યાંકન અને ૭૦ ગુણની યુનિવર્સિટીની પરીક્ષા ગણવામાં આવે છે.