(એજન્સી) તા.૨૨
કોરોના વાયરસ મહામારીને લઇને આ વર્ષે યોજાનારા નોબેલ પારિતોષિક સમારોહને રદ કરી દેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ૧૯પ૬ બાદ એટલે કે ૬૪ વર્ષમાં પ્રથમ વખત એવું થયું છે કે જ્યારે નોબેલ પારિતોષિક સમારોહને રદ કરવામાં આવ્યો છે.
નોબેલ પારિતોષિક સમારોહનું આયોજન કરનાર સંસ્થા નોબેલ ફાઉન્ડેશને આ વાતની જાણકારી આપતાં જણાવ્યું હતું કે હવે નોબેલ પારિતોષિક સમારોહનું નવા સ્વરૂપમાં આયોજન કરવામાં આવશે. જેની માહિતી પાછળથી આપવામાં આવશે.
નોબેલ ફાઉન્ડેશનના ડાયરેકટર લાર્સ હેકેનસ્ટેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વખતે સામાન્ય સંજોગોમાં યોજાય છે એ પ્રકારનું નોબેલ સપ્તાહ યોજાશે નહીં. વર્તમાન કોવિડ-૧૯ મહામારીને કારણે આ વખતે પરિસ્થિતિ તદ્દન અલગ છે.
આજકાલ દિન પ્રતિદિન દુનિયાભરમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે અને આ સંજોગોમાં સૌએ નવી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની આવશ્યકતા છે. તેમણે જણાવ્યું હતું કે આ સમારોહ હાલ રદ કરવામાં આવી રહ્યો છે અને હવે તે સંપૂર્ણપણે નવા સ્વરૂપમાં જોવા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ભવ્ય નોબેલ પારિતોષિક સમારોહ સામાન્યતઃ ડિસેમ્બરના આખરી સપ્તાહમાં યોજવામાં આવે છે. જે નોબેલ વીક તરીકે ઓળખાય છે. આ સમારોહમાં નોબેલ પારિતોષિક વિજેતાઓને સ્ટોકહોમમાં આમંત્રણ આપવામાં આવે છે. સ્ટોકહોમના સિટી હોલમાં યોજવામાં આવતા સમારોહમાં નોબેલ પારિતોષિક વિજેતાઓ, સ્વીડિશ શાહી પરિવાર અને ૧૩૦૦ જેટલા મહાનુભાવો અને મહેમાનો સાથે એક ડીનરનું આયોજન કરવામાં આવે છે અને તેમાં મનોરંજક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવે છે.
કોરોના મહામારીના કારણે નોબેલ પુરસ્કારનો વાર્ષિક સમારોહ ૬૪ વર્ષમાં પહેલીવાર રદ્દ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ, અત્યાર સુધી કોરોના જાતે જતો રહેશે તેવો દાવો કરી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે, દેશ અને દુનિયામાં કોરોના મહામારીની સ્થિતિ હવે પહેલાથી વધુ ખરાબ થવા જઈ રહી છે. ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકામાં કોરોના મહામારીની સ્થિતિ હજુ વધુ ખરાબ થશે, જોકે આશા છે કે ટૂંક સમયમાં સ્થિતિ સુધરવા લાગશે.
ફાઉન્ડેશને કહ્યું કે, આ ખાસ પ્રકારની સ્થિતિ છે અને સૌને તે મુજબ અનુકૂળ થવાની જરૂર છે. આ અગાઉ વર્ષ ૧૯૫૬માં નોબેલ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું નહોતું કે જ્યારે તત્કાલીન સોવિયત સંઘે હંગેરી પર હુમલો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે વિવિધ વિષયોમાં અદ્વિતીય કામગીરી કરનારાઓ અને સંસ્થાઓને નોબેલ પારિતોષિક આપવામાં આવે છે. નોબેલ પારિતોષિક શાંતિ, સાહિત્ય, ભૌતિકશાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, મેડિસિન અને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં આપવામાં આવે છે. નોબેલ પારિતોષિકની સ્થાપના રસાયણ શાસ્ત્રી આલ્ફ્રેડ નોબેલના વસિયતનામા અનુસાર ૧૮૯પમાં થઇ હતી અને તેમનાં નામ પાછળ આ પારિતોષિક આપવામાં આવે છે.