કોરોનાની રસી મળે ત્યાં સુધી તકેદારી રાખવી એ જ બચાવનો વિકલ્પ
(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર/વડોદરા, તા.રપ
કોરોના મહામારી દરમ્યાન તેને નિયંત્રણમાં લેવાના પ્રયાસો વચ્ચે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અગત્યનું નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રીએ કોરોના વેક્સિન અંગે રાહ જોતી પ્રજાને ધરપત આપતાં કહ્યું કે, જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાતમાં કોરોનાની વેક્સિન પહોંચવાની શરૂઆત થઈ જશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં પાંચ લાખ ચોરસ મીટર જમીન પર આકાર લેનારા સરદાર ધામ – મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો આરંભ કરાવતા આશા વ્યક્ત કરી હતી કે, કોરોનાની રસી લોકો સુધી પહોંચે ત્યાં સુધી દરેક વ્યક્તિએ કોરોના મહામારીથી તકેદારી રાખવાની જરૂર છે.
છેલ્લા ઘણાં સમયથી કોરોનાની રસી બનાવવાના વિવિધ દેશોનો દાવા વચ્ચે પ્રજામાં ક્યારે વેક્સિન તૈયાર થઈને આવે તેની રાહ જોવાઈ રહી છે. ત્યારે હવે વેક્સિન માટે વધુ રાહ જોવી નહીં પડે તેવી આશા મુખ્યમંત્રીના આજના નિવેદને જગાવી છે. વડોદરાના કાર્યક્રમમાં વેક્સિન અંગે નિવેદન આપતાં મુખ્યંત્રીએ ગુજરાતમાં જાન્યુઆરી-ફ્રેબ્રુઆરીમાં વેક્સિન આવી જશે તેમ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, જમીન કપાતમાં રાહત આપી સરકારે આ સરદાર ધામ પ્રોજેક્ટમાં રૂા.૫૦ કરોડનું યોગદાન આપ્યું એવો હિસાબ હું કરતો નથી. સરકાર સમાજ માટે કામ કરનારી સંસ્થાઓની હંમેશા પડખે રહે છે. કોરોના કાળમાં રાજ્યની વિકાસ યાત્રા ચેતનવંતી રાખી રૂા.૧૩,૦૦૦ કરોડના વિકાસ કામોને ઓનલાઇન બહાલી આપી આગળ ધપાવ્યા છે. કોરોનાની રસી મળે ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સ પાળવા સહિતની તકેદારીઓ જ બચાવનો વિકલ્પ છે. ગરબા ન યોજવાના સરકારના નિર્ણયને ટેકો આપવા માટે રાજ્યની પ્રજાનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા નજીક અંખોલ ગામની સીમમાં પાંચ લાખ ચોરસ મીટર જમીનમાં સાકાર થનારા મિશન ૨૦૨૬ હેઠળ આયોજિત સરદાર ધામ મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો આરંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઓનલાઇન જોડાયા હતા. આ પ્રોજેક્ટમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સમાજ ઉત્કર્ષલક્ષી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેનાર સરદાર ભવનના નિર્માણ સહિતના વિવિધ પ્રયોજનોનો સમાવેશ થાય છે.
Recent Comments