અમદાવાદ,તા.ર૩
રાજયમાં કોરોના કેર અને લોકડાઉનને પગલે માર્ચ મહિનાથી શાળાઓ બંધ છે જયારે અન્ય ધંધા રોજગાર અને સેવાઓ પર પણ લોકડાઉનની અસર થતા વાલીઓની સ્થિતિ કફોડી બની છે. જયાં વાલીઓ ફી ભરવાને સક્ષમ નથી. ત્યાં સ્કૂલ વર્ધીવાળાઓને ભાડું આપવાની વાત કયાં ? આમ કોરોનાની અસરથી શાળાઓ બંધ થતા સૌથી મોટો ફટકો સ્કૂલ વર્ધી ફેરવતા વાહનચાલકો ઉપર પડયો છે. આ સ્કૂલ વર્ધી ફેરવતા વાહનચાલકોએ સરકાર પાસે આર્થિક સહાયની માગણી કરી છે. આમ કોરોનાને કારણે સ્કૂલ વર્ધી સંચાલકોની હાલત કફોડી બની છે. હજી પણ સ્કૂલો નજીકના ભવિષ્યમાં શરૂ થાય તેવા કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી. ત્યારે હવે પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરવું એ તેમના માટે એક પ્રશ્ન બન્યો છે બીજી તરફ ટયુશન કલાસીસ પડયા છે. ત્યારે સ્કૂલ વર્ધીવાળાઓની સ્થિતિ વધારે નાજુક બની છે જેને પગલે કેટલીક સ્કૂલ રિક્ષાઓના સંચાલકોએ બાળકોની બેસવાની વ્યવસ્થા દુર કરી સામાન્ય મુસાફરો લેવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન તરફથી રાજય સરકારને આર્થિક સહાય માટે માગણી કરવામાં આવી છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખી આ સહાયની માગણી કરવામાં આવી છે. એસોસિએશનના હોદ્દેદારોએ સરકારમાં મળવા માટેનો સમય પણ માગ્યો છે. એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા રિક્ષા અને વાહનચાલકોને દર મહિને પ૦૦૦ રૂપિયાની મદદ કરવા માટે સરકારને કહેવાયું છે. રાજય સરકાર અથવા તો સ્કૂલ સંચાલકો તેમને સહાય કરે તેવી અમારી માગણી છે. આ સાથે તેમણે એવું પણ કહ્યું છે કે જયારે સ્કૂલ શરૂ થશે ત્યારે જે આર્થિક મદદ કરશે તેમને અમે લીધેલા રૂપિયાની ચૂકવણી કરવા પણ તૈયાર છીએ. ચોંકાવનારી બાબત એવી છે કે જે સંચાલકોએ બેન્ક લોન લઈને સ્કૂલ રિક્ષા કે વાન વસાવી છે. તેઓ હાલ લોનના હપ્તા ભરી શકતા નથી. તેથી તેમના વાહનો વેચવા કાઢયા છે. એસોસિએશને કહ્યું છે કે અમદાવાદમાં ૧પ૦૦૦ અને આખા રાજયમાં ૮૦,૦૦૦ જેટલી સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાન વર્ધી સાથે જોડાયેલી છે. કોરોનાના કપરા સમયમાં આ વાહનચાલકોની હાલત સ્કૂલો બંધ હોવાથી દયાજનક બની ચુકી છે તેથી એસોસિએશને સરકારમાં રજૂઆત કરી છે.