(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રર
કોરોના મહામારી અને લોકડાઉનને કારણે આર્થિક સંક્રમણમાં ફસાયેલા જરૂરિયાતમંદ ધારાશાસ્ત્રીઓને નોકરી તથા અન્ય ધંધો કરવા માટે ૩૧ ડિસેમ્બર સુધી મુક્તિ આપતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન સી.કે.પટેલ, વાઈસ ચેરમેન જીતેન્દ્ર ગોળવાળા એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન રમેશચંદ્ર પટેલ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્ય દિલીપ પટેલ તથા અનિલ કેલ્લા એક સંયુક્ત અખબારી યાદી જણાવે છે કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મળેલ અસાધારણ સભામાં છેલ્લા ત્રણ માસ ઉપરાંતના સમયથી કોવિડ-૧૯ની મહામારીને કારણે આશરે ૭૫,૦૦૦ ધારાશાસ્ત્રીઓ પૈકી સંખ્યાબંધ ધારાશાસ્ત્રીઓ વકીલાતના વ્યવસાયથી વંચિત થઈ ગયેલ છે અને ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને પોતાની કૌટુંબિક જવાબદારી પણ યોગ્ય રીતે નિભાવી શકતા નથી. તેવા સંજોગોમાં આ મીટિંગમાં સર્વાનૂમતે એવું નક્કી કરવામાં આવેલ છે કે, હાલમાં બાર કાઉન્સિલના રોલ પર નોંધાયેલ કોઈ પણ જરૂરિયાતમંદ ધારાશાસ્ત્રી ૩૧/૧૨/૨૦૨૦ સુધી પોતાની આર્થિક ઊપજ માટે વકીલાતના વ્યવસાયનની ગરિમા જળવાય તેવા કોઈ પણ નોકરી ધંધો કે વ્યવસાય કરી શકશે અને તેવા ધારાશાસ્ત્રીઓને એડવોકેટ એક્ટની કલમ ૩૫માંથી મુક્તિ તા.૩૧/૧૨/૨૦૨૦ સુધી આપવાનો નિર્ણય કરેલ છે. એડવોકેટની કલમ ૩૫ મુજબ કોઈપણ ધારાશાસ્ત્રી વકીલાતના વ્યવસાય દરમ્યાન અન્ય કોઈ નોકરી ધંધો કે વ્યવસાયમાં બાર કાઉન્સિલની પરવાનગી સિવાય જોડાઈ શકે નહીં જેમાંથી ચોક્કસ સમય માટે મુક્તિ આપવામાં આવેલ છે અને જે ઠરાવ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને તાકીદે મંજૂરી માટે મોકલી આપવાનું નક્કી કરવામાં આવેલ છે. જે મંજૂરી મળેથી આ જોગવાઈનો અમલ કરવાનો રહેશે. આ મીટિંગમાં સર્વાનુમતે એવું પણ નક્કી કરવામાં આવેલ છે કે, તા.૧/૯/૨૦૧૯થી આજદિન સુધીના સમય દરમ્યાન ભરવાની થતી વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી મોડી ભરનાર કોઈપણ ધારાશાસ્ત્રી પાસેથી રૂા.૨૫૦ દંડની રકમની જોગવાઈ છે તેમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. વધુમાં ગુજરાતના તાલુકા અને જિલ્લાની અદાલતો તાકીદે શરૂ કરવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ૧૮/૫/૨૦૨૦ તથા તા.૨૭/૫/૨૦૨૦ અને ૧૫/૬/૨૦૨૦ના રોજ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને તેમજ ત્રણ ન્યાયમૂર્તિઓની બનેલી કમિટી સમક્ષ વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂઆત કરવામાં આવેલ. જે બાબતે નામદાર હાઈકોર્ટ તરફથી તમામ જિલ્લા અને તાલુકામાં કોવિડ-૧૯ના સંજોગોનો અભ્યાસ કરીને નિર્ણય કરવાની હયાધારણ આપવામાં આવેલ. હાઈકોર્ટ જે કોઈપણ નિર્ણય કરશે તે સહર્ષ સ્વીકારવામાં આવશે. આ મીટિંગમાં સર્વાનુમતે એવું પણ નક્કી કરવામાં આવેલ કે સમગ્ર ગુજરાતમાં જે કોઈપણ ધારાશાસ્ત્રીઓ કોર્ટ માટે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત માટે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે કોઈ અભદ્ર ભાષા વાપરેલ હોય અને તેને વ્હોટ્‌સઅપ કે સોશિયલ મીડિયામાં મોકલેલ હોય તેઓના વિરૂદ્ધ પ્રોફેશનલ એથીકસના પગલાં ભરવામાં આવશે અને ચેરમેનને તેઓ વિરૂદ્ધ નોટિસ કાઢી પગલાં ભરવા સત્તા આપવામાં આવેલ છે તદુપરાંત કોરોનાની મહામારીને કારણે ગુજરી ગયેલ ધારાશાસ્ત્રીઓ માટે તેમજ ચીન દ્વારા થયેલા હુમલામાં શહીદ થયેલા સૈનિકો માટે બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ.