જૂનાગઢ, તા.૧૮
કોરોના મહામારી વચ્ચે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને યોગ્ય સારવાર ન અપાતા શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ દ્વારા ધરણા યોજી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારી છતાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને યોગ્ય સારવાર આપવામાં આવતી નથી તેમજ મૃત્યુઆંક પણ છૂપાવવામાં આવે છે. હોસ્પિટલના કોરોના વોર્ડમાં યોગ્ય ફિજિશિયન ડોકટરોની તાતી જરૂરિયાત છતાં સ્ટાફની ભરતી કરવામાં આવતી નથી, તેમજ વધુ પ્રમાણમાં ઓક્સિજનની જરૂરિયાત છતાં વ્યવસ્થા કરવામાં આવતી નથી. ત્યારે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આ નિષ્ઠુર તંત્રના કાન સુધી અવાજ પહોંચાડવા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ધરણા યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને જણાવાયું કે, જો આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.