નવી દિલ્હી, તા.ર૧
દિગ્ગજ બોક્સર અને રાજ્યસભાની સાંસદ એમસી મેરીકોમ વિવાદોમાં સપડાઈ છે. મેરીકોમે મહામારીનું રૂપ બની ચૂકેલા કોરોના વાયરસ પર આઈસોલેશનનો પ્રોટોકોલ તોડ્યો છે. આરોગ્ય સુરક્ષા સંબંધિત આ પ્રોટોકોલ તોડી મેરીકોમ સીધા રાષ્ટ્રપતિભવન પહોંચ્યા. તાજેતરમાં જ મેરીકોમ જોર્ડનમાં આયોજિત એશિયા-ઓસિયાના ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં રમીને સ્વદેશ પરત ફરી છે. મેરીકોમને તકેદારીના ભાગરૂપે ૧૪ દિવસ ક્વોરન્ટાઈનમાં વિતાવવાના હતા પણ ૧૮ માર્ચે મેરીકોમ રાષ્ટ્રપતિ ભવનમાં બ્રેકફાસ્ટ કાર્યક્રમમાં સામેલ થઈ હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ દિવસે યુપી અને રાજસ્થાનના સાંસદોને નાશ્તાનું આમંત્રણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં બોક્સર મેરીકોમ પણ હતી. રાષ્ટ્રપતિના સત્તાવાર ટ્‌વિટર હેન્ડલ દ્વારા જાહેર કરાયેલી આ કાર્યક્રમની તસવીરોમાં મેરીકોમ જોઈ શકાય છે. જ્યારે કે મેરીકોમ ૩ માર્ચે જ ભારત પરત ફરી હતી અને આ રીતે ર૭ માર્ચ પહેલા તેમને જાહેર કાર્યક્રમો અથવા લોકોની વચ્ચે જવાનું ન હતું.