કોરોના મહામારી અને લોકડાઉનને કારણે લાખો લોકોએ નોકરીઓ
ગુમાવતાં અને ભૂખમરો વધતાં તેની સૌથી વધુ અસર કૂપોષિત
બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ પર પડે છે

(એજન્સી) તા.૧૨
આર્થિક વિકાસ અને ભૂખમરો તેમજ કુપોષણના આંકમાં સ્થિર સુધારો છતાં ભારત મહામારી પૂર્વે પણ ભૂખમરા અને કુપોષણનો સામનો કરી રહ્યું હતું. ૨૦૧૯માં ગ્લોબલ હંગર ઇનડેક્ષ એટલે કે વૈશ્વિક ભૂખમરા આંકમાં ૧૧૭ દેશોમાંથી ભારત ૧૦૨માં ક્રમે હતું અને આશ્ચર્યની વાત એ છે કે આ રેંકિંગમાં દ.એશિયામાં પાકિસ્તાન અને નેપાળ કરતા પણ ભારત પાછળ હતું. મહામારી બાદ ભારત પર ભૂખમરો અને કુપોષણનો ખતરો વધુ ગંભીર બન્યો છે કારણ કે કોરોના વાયરસ મહામારી વચ્ચે આંગણવાડીઓ બંધ છે. દિલ્હીમાં ૬,માર્ચના રોજ શાળાઓ અને આંગણવાડીઓ બંધ કરવાનો આદેશ કરાયો હતો. ત્યારબાદ લોકડાઉનને કારણે આંગણવાડીઓ બંધ રહી હતી અને દિલ્હીમાં આજની તારીખે પણ આંગણવાડીનું લોકડાઉન હટાવવામાં આવ્યું નથી. અત્યાર સુધી માત્ર છત્તીસગઢે જ આંગણવાડી ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મોબાઇલ ક્રેસીઝના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર સુમિત્રા મિશ્રાએ જણાવ્યું હતું કે મહામારી અને લોકડાઉનના કારણે આંગણવાડીઓ બંધ હોવાથી જે બાળકો અને સગર્ભા મહિલાઓને આંગણવાડી ખાતે ભોજન મળતું હતું તે હવે ઉપલબ્ધ નથી તેના કારણે ભૂખમરો વધી રહ્યો છે.
સતત ભૂખમરાને કારણે આપણને ડાયેરિયા અને અન્ય બીમારીઓના કેસો વધુ જોવા મળી રહ્યાં છે. બાળ ચિકિત્સક અને પબ્લિક હેલ્થ એક્સપર્ટ વંદના પ્રસાદે જણાવ્યું હતું કે તીવ્ર કુપોષણને મૃત્યુદર સાથે કનેક્શન છે અને આંગણવાડી જેવી આવશ્યક સેવા છ મહિના કરતાં વધુ સમય માટે બંધ રહેવાથી મૃત્યુદર, રોગ અને બીમારી અને કુપોષણ પર લાંબાગાળાની અસરો પડશે.
આજથી ૪૫ વર્ષ પૂર્વે સુગ્રથિત બાળવિકાસ યોજના હેઠળ આંગણવાડીની સ્થાપના થઇ હતી. હાલ આંગણવાડી એ વિશ્વના સૌથી મોટો બાળ વિકાસ કાર્યક્રમ છે કે જેના દ્વારા છ વર્ષથી નીચેની વયના બાળકોને તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને પૂરક પોષણ પૂરૂં પાડવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષણ, રસીકરણ અને આરોગ્યલક્ષી સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. કોરોના મહામારી અને લોકડાઉનને કારણે લાખો લોકોએ નોકરીઓ ગુમાવતાં અને ભૂખમરો વધતાં તેની સૌથી વધુ અસર કુપોષિત બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ પર પડે છે.