અમદાવાદ, તા.રર
ગુજરાતમાં અને અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. રોજ પ૦૦થી ૬૦૦ કેસો અને બે ડઝનથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. આવી મહામારીના સમયે ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.એ પરીક્ષાની કાર્યવાહીની જાહેર કરતાં આ પરીક્ષા વિદ્યાર્થીઓના હિતમાં રદ કરી તાત્કાલિક માસ પ્રમોશન આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ.મનિષ દોશીએ જીટીયુના કુલપતિને પત્ર પાઠવી માંગ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. રાજ્યની મોટામાં મોટી યુનિ. છે કે જેમાં ઈજનેરી, ફાર્મસી, એમબીએ, એમસીએ ડિપ્લોમા અભ્યાસક્રમની પ૦૦થી વધુ શૈક્ષણિક સંસ્થામાં લાખથી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. કોરોના વૈશ્વિક મહામારીથી સૌથી વધુ મૃત્યુદર ગુજરાત અને તેમાંય અમદાવાદમાં નોંધાઈ રહ્યો છે. કોરોના કેસમાં સતત વધારો થવાથી ડર અને ભયનો માહોલ છે ત્યારે ૪ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને કોરોના મહામારીથી બચાવવા માટે હાલ પરીક્ષા યોજી શકાય નહીં. ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.એ પરીક્ષા માટે બહાર પાડેલ માર્ગદર્શિકામાં પણ પ૦ ટકા કરતાં વધુ વિદ્યાર્થીઓ પાસે પૂરતી સુવિધા ન હોય તો કેવી રીતે પરીક્ષા આપી શકે ? આ સંજોગોમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. જાહેર કરેલ પરીક્ષાની કાર્યવાહી રદ કરીને તાત્કાલિક, માસ પ્રમોશન વિદ્યાર્થીઓના હિતમાં આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે. આ પત્રની નકલ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પણ આપવામાં આવી છે.