૨૦૨૧ સુધીમાં દારૂણ ગરીબીમાં જીવતા ૨૫થી ૩૪ વર્ષની વય જૂથના પ્રત્યેક ૧૦૦ પુરૂષોની સામે ૧૧૮ મહિલાઓ હશે

(એજન્સી) તા.૩
કોવિડ-૧૯ની મહામારી ૨૦૨૧ સુધીમાં ૪.૭૦ કરોડ જેટલી મહિલાઓ અને યુવતીઓ ઉપર અપ્રાણસરની વિપરીત અસર ઊભી કરીને તેઓને દારૂણ ગરીબીમાં ધકેલી દેશે જેના કારણે છેલ્લા કેટલાય દાયકાઓથી થયેલી પ્રગતિ ભૂંસાઈ જશે અને આ લોકો ગરીબીની રેખા નીચે આવી જશે, એમ યુનાઈટેડ નેશન્સ (યુએન) દ્વારા જાહેર કરાયેલી આંકડાકીય માહિતીમાં દાવો કરાયો હતો.
યુએન વુમન એન્ડ યુએન ડેવલોપમેન્ટ પ્રોગ્રામ દ્વારા કરાયેલી આ નવી સમીક્ષામાં કહેવામાં આવ્યું હતું કે, કોવિડ-૧૯ની મહામારીના કારણે મહિલાઓમાં નાટ્યાત્મક રીતે ગરીબીના દરમાં વધારો થશે અને ગરીબીમાં જીવતા લોકોમાં સ્ત્રી-પુરૂષ વચ્ચેની ભેદરેખા વધુ વ્યાપક બનશે. અસલમાં એવો અંદાજ મૂકાયો હતો કે, ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચે મહિલાઓમાં ૨.૭ ટકા જેટલો ગરીબીનો દર ઘટશે, પરંતુ કોવિડ-૧૯ની મહામારી અને તેના પરિણામોએ અગાઉના તમામ અંદાજ ખોટા પાડ્યા છે અને નવી આંકડાકીય માહિતી સૂચવે છે કે, મહિલાઓમાં ગરીબીનો દર ૯.૧ ટકા જેટલો વધશે.
આ મહામારી ૨૦૨૧ સુધીમાં કુલ ૯.૬૦ કરોડ લોકોને દારૂણ ગરીબીના ખપ્પરમાં ધકેલી દેશે જે પૈકી ૪.૭૦ કરોડ જેટલી મહિલાઓ અને યુવતીઓ હશે જેના કારણે દારૂણ ગરીબીમાં જીવતી મહિલાઓ અને છોકરીઓની સંખ્યા વધીને ૪૩.૫૦ કરોડ ઉપર પહોંચી જશે. યુએનની આ માહિતીમાં એવો પણ દાવો કરાયો હતો કે ૨૦૩૦ પહેલાં આ લોકો મહામારી પહેલાંની સ્થિતિએ પહોંચે એવી કોઈ શક્યતા નથી.
યુએન દ્વારા રજૂ કરાયેલા નવા અંદાજમાં દાવો કરાયો હતો કે, કોરોના મહામારીના કારણે વિશ્વભરમાં ગરીબીનું પ્રમાણ વધશે, જેમાં મહિલાઓ અને છોકરીઓ ઉપર અપ્રમાણસરની વિપરીત અસર પડશે, ખાસ કરીને ગર્ભાધાન કરવાની ઊંમરવાળી છોકરીઓ વિશેષ પ્રભાવિત થશે. ૨૦૨૧ સુધીમાં દારૂણ ગરીબીમાં જીવતા ૨૫થી ૩૪ વર્ષની વયજૂથના પ્રત્યેક ૧૦૦ પુરૂષોની સામે ૧૧૮ મહિલાઓ હશે અને ૨૦૩૦ સુધીમાં આ ભેદરેખા વધીને પ્રત્યેક ૧૦૦ પુરૂષની સામે ૧૨૧ મહિલાઓની થઈ જવાની સંપૂર્ણ શક્યતા છે, એમ યુએનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું.
મહિલાઓમાં વધેલી દારૂણ ગરીબી એ આપણી સમાજ રચના અને અર્થતંત્રમાં રહી ગયેલી ઉણપો અને ખામીઓનો સ્પષ્ટ સંકેત કરે છે, એમ યુએન વુમનના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર ફૂમઝાઈ લામ્બોએ કહ્યું હતું. આપણે જાણીએ છીએ કે, મહિલાઓ પોતાના પરિવારની સૌથી વધુ કાળજી લે છે તેઓની કમાણી ઓછી હોય છે, તેથી તેઓ બચત પણ ઓછી કરી શકે છે, તેમ છતાં તેમની નોકરીઓ એવી હોય છે જેમાં તેઓની કોઈ સલામતી હોતી નથી, આમ સર્વગ્રાહી રીતે જોતાં કહી શકાય કે પુરૂષોની નોકરીઓની તુલનાએ મહિલાઓની નોકરીઓ-રોજગારમાં ૧૯ ટકા વધુ જોખમ હોય છે, એમ તેમણે ઉમેર્યું હતું.