ભરૂચ, તા.૨
જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે જજૂમી રહ્યું છે ત્યારે ઇસ્લામો ફોબિયાથી પીડિત ભારતીય મીડિયા સહિત કેટલાક લોકો દ્વારા કોવિડ-૧૯ માટે મુસ્લિમોને જવાબદાર ઠેરવી આવા કપરા સમયે કોમવાદી પ્રવૃતિને ઉત્તેજન આપવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મીડિયા દ્વારા ઇસ્લામો ફોબિયા પીરસવાના કારણે સમાજની સહિષ્ણુતામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓનલાઇન કે ઓફલાઇન અફવાઓના કારણે જમણેરી વિચારધારા ધરાવતા લોકો ખૂલીને બહાર આવી રહ્યા છે જેના કારણે હિંસાના બનાવો પણ વધી રહ્યા છે જેના પાછળ કેટલાક રાજકીય તત્ત્વોનું સમર્થન હોવાનો આભાસ થાય છે.
કોવિડ-૧૯ રોગચાળા સામે એકજૂટ થઈને તેને નાથવાને બદલે લોકો ભારત દેશના ધાર્મિક લઘુમતી મુસ્લિમ સમાજને બદનામ કરવા પાછળ લાગી ગયા છે. સત્યના અભાવના કારણે મીડિયા કાર્યક્રમો દ્વારા નફરતની વાવણી કરવામાં આવી રહી છે અને ઈંકોરોનાજેહાદ જેવું હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યું છે.
તાજેતરમાં મીડિયા દ્વારા તબ્લીગ જમાત અને ઇસ્લામ પર જે રિપોર્ટિંગ થઈ રહ્યું છે, જેના કારણે ‘ઇસ્લામો ફોબિયાનો’ પ્રચાર-પ્રસાર વધી રહ્યો છે. સરકાર દ્વારા તેને રોકવાને બદલે મુસ્લિમ વિરોધી માનસિકતાને મૂક સમર્થન આપી રહી હોય તેમ જણાઈ રહ્યું છે કારણ કે અત્યાર સુધી આવા ઘૃણાસ્પદ કાર્યક્રમો સામે કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
ભારતમાં ફાસિસ્ટ મીડિયાનું પ્રાથમિકીકરણ મુસ્લિમ વિરોધી માનસિકતાને ઉશ્કેરવા માટે થઈ રહ્યો છે. નોવેલ કોરોના વાયરસને જેહાદના પર્યાય તરીકે ચીતરવમાં આવી રહ્યો છે, જેમ કે ભારતના અગ્રણી વર્તમાનપત્ર ‘ધ હિન્દૂ’એ કોરોના વાયરસને એક રૂઢિચુસ્ત મુસ્લિમ તરીકે દર્શાવતું કાર્ટૂન પ્રસિદ્ધ કરવામાં કોઈ મર્યાદા જાળવી નથી.
મરકઝ નિજામુદ્દીનનાં બનાવ પછી પણ તબ્લીગ જમાતના મુખ્ય મથકથી પ્રેસ રિલીઝ દ્વારા આ બાબતે સ્પષ્ટીકરણ કર્યું હતું તેમજ તેમણે પ્રશાસનના કોઈ નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી.
મીડિયા, જમણેરીઓ તેમજ સરકારના બેજવાબદાર વર્તનને ‘જમિયત અહલેહદીષ – ગુજરાત’ સખત શબ્દોમાં વખોડી કાઢે છે તેમજ કેન્દ્ર તથા રાજ્ય સરકારને માગણી કરે છે કે, તબ્લીગ જમાત અને કોરોનાના મુદ્દે ઝેર ઓકી રહેલ તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તબ્લીગ જમાત વિરૂદ્ધ લગાવવામાં આવેલ અન્યાયી આક્ષેપો પાછા ખેંચવામાં આવે.