(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૩
ડોક્ટરો ઉપરાંત આરોગ્ય પોલીસ અને અન્ય સરકારી કર્મચારીઓ જેવા કોરોના વિરૂદ્ધ લડાઈ લડીને લોકોનો જીવ બચાવવાની કામગીરી કરતા કોરોના યોદ્ધાઓ ઉપર હુમલો કે ગેરવર્તણૂંક જરા પણ સાંખી લેવાશે નહીં આવા તત્ત્વો સામે પાસા સહિતની કડકમાં કડક કાર્યવાહી કરતાં પણ અચકાઈશું નહીં તેમ આજે પત્રકાર પરિષદને સંબોધન કરતા રાજ્ય પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ ચીમકીના સ્વરમાં જણાવ્યું હતું. આ મામલે થયેલી કામગીરીનો વિગત આપતા ડીજીપી જણાવ્યું હતું કે, પોલીસ, આરોગ્ય કર્મચારી અને અન્ય એક સરકારી કર્મચારી ઉપર હુમલો કરવાના ત્રણ જુદા-જુદા ગુના પૈકી રાજકોટ ગ્રામ્યના જેતપુર સીટી પોલીસમથકની હદમાં તા. ૧૭ એપ્રિલના રોજ હુમલો કરનારી એક વ્યક્તિને ગતરોજ ‘’પાસા’’ હેઠળ પકડી તેને સુરત જેલને હવાલે કરી દેવામાં આવી છે. અન્ય એક કિસ્સામાં સાબરકાંઠાના બાલીસણા ગામે આરોગ્ય કર્મચારી ઉપર હુમલો કરનારી ત્રણ વ્યક્તિઓ પર પ્રાંતિજ પોલીસે કાર્યવાહી કરી તેમને રાજકોટ, સુરત અને વડોદરા જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જયારે અરવલ્લી જિલ્લાના બાયડમાં તા. ૧૧ એપ્રિલે પોલીસ ઉપર હુમલો કરનારા ૧૧ લોકો સામે કાર્યવાહી કરીને સુરતની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આ પ્રકારના કુલ છ ગુનાઓમાં ૨૨ આરોપી વિરૂદ્ધ “પાસા’’ હેઠળ કાર્યવાહી કરીને રાજ્યની વિવિધ જેલોમાં અંદર કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં કર્ફ્યુંભંગના ગઈકાલથી આજદિન સુધીમાં અનુક્રમે ૧૬૪, ૧૪૭ અને ૧૦૭ ગુનાઓ નોંધીને ક્રમવાર ૧૯૭, ૧૬૭ અને ૧૧૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં CCTV મારફત ૧૮૯ ગુનાઓ નોંધીને આજદિન સુધીમાં ૩૩૫ લોકોની અટકાયત કરવામાં આવી હતી. વિવિધ માધ્યમો દ્વારા જે ગુન્હાઓ ગત રોજથી દાખલ થયા છે; તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૩૧૭ ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૭,૮૫૦ ગુના દાખલ કરીને ૧૬,૦૬૪ લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૮૩ ગુના નોંધીને ૧૦૪ લોકોની અટકાયત કરાઈ છે. આ જ રીતે,સોશીયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગતરોજના ૧૯ ગુના સહિત અત્યાર સુધીમાં ૪૨૧ ગુના દાખલ કરીને ૭૯૫ આરોપીની અટકાયત કરી છે તેમજ ૧૭ સોશ્યિલ મીડિયા એકાઉન્ટ ગતરોજ બંધ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) તથા વિડીઓગ્રાફી મારફત અનુક્રમે ૬૦ અને ૧૧૯ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. ANPR દ્વારા આજદિન સુધીમાં ૩૮૬ અને વીડિયોગ્રાફી દ્વારા ૫૭૮ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ૩૪ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે જ્યારે આજદિન સુધીમાં ૨૩૨ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.