(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોરોના યોદ્ધાના મૃત્યુ પર તેના પરિવારના સભ્યને સરકારી નોકરીની જાહેરાત કરી છે. મમતાએ બુધવારે જણાવ્યું કે, કોરોનાની વિરૂદ્ધ લડતા જો કોઈ કોરોના વોરિયરનું મૃત્યુ થાય છે તો તેના પરિવારમાંથી એક સભ્યને રાજ્ય સરકાર સરકારી નોકરી આપશે. મમતા બેનરજીએ કોરોનાની વિરૂદ્ધ લડી રહેલા આરોગ્યકર્મચારીઓ અને બીજા લોકોની પ્રશંસા કરતા જણાવ્યું કે, આ મોટું કામ કરી રહ્યા છે અને તેમનું ધ્યાન રાખવું સરકારની ફર જ બને છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં ર૬૮ પોલીસ કર્મચારી, ૩૦ ડોક્ટર, ૪૩ નર્સ અને ૬ર સરકારી કર્મચારી કોરોનાથી પીડિત થયા છે. પશ્ચિમ બંગાળમાં કોરોનાના કુલ ૩૩ હજાર કેસ થયા છે. મમતા બેનરજીએ બુધવારે કોરોનાની સ્થિતિ અંગે જુદા-જુદા જિલ્લાઓને સાથે બેઠક પણ કરી. દેશમાં કોરોનાના કેસમાં ફરી એક વખત મોટો વધારો નોંધાયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડાઓ મુજબ ગત ર૪ કલાકની અંદર સૌથી વધુ ર૯,૪ર૯ કેસ સામે આવ્યા છે અને પ૮ર દર્દીઓના મોત થયા છે. દેશમાં હવે કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૯,૩૬,૧૮૧ થઈ ગઈ છે. જેમાં ૩,૧૯,૮૪૦ સક્રિય છે અને પ,૯ર,૦૩ર લોકો સ્વસ્થ થયા છે તેમજ ર૪,૩૦૯ લોકોનાં મોત નિપજ્યા છે. ભારત સરકારે માહિતી આપી છે કે, દેશમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ વધીને ૬૩.ર૦ ટકા થઈ ગયો છે. ત્યાં રિકવરી ૯૬.૦પ ટકા અને ડેથ ટકાવારી ૩.૯પ ટકા છે. તે ઉપરાંત ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદે જણાવ્યું છે કે, ૧૪ જુલાઈ સુધી કોરોના માટે ૧,ર૪,૧ર,૬૬૪ સેમ્પલોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩,ર૦,૧૬૧ સેમ્પલોના ટેસ્ટ કાલે થયા છે.