અમદાવાદ, તા.૧૭
રાજ્યમાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે તમામ શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસિસ, આંગણવાડી, સ્વિમિંગ પૂલ, સિનેમા હોલ સહિતના સ્થળોએ ર૯મી માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા છે. ત્યારે રાજ્ય સરકારે આગામી રપમી માર્ચ સુધી તમામ જોવાલાયક સ્થળો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં કોરોના વાયરસને સંક્રમિત થતો અટકાવી ચેપને અટકાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એ આગામી ૨૫મી માર્ચ સુધી તમામ દર્શનીય સ્થળો પર પ્રવાસીઓની No-Entry કરી દીધી છે. ફેસબુક પર પ્રજાજોગ સંદેશ આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં અને દેશમાં સરાહનીય પગલાં લેવામાં આવ્યા છે. તેના કારણે ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી. આપણે ત્યાં ઝીરો પોઝિટીવ કેસ છે. સાવચેતી તકેદારી એક જ માત્ર ઉપાય છે. ગુજરાત વિશ્વ સાથે વેપાર સાથે વર્ષોથી જોડાયેલા પ્રદેશ છે. વિશ્વના અનેક દેશોના લોકો ગુજરાતમાં આવે છે. આ સંજોગોમાં રાજ્યમાં કોરોના વાયરસનો વ્યાપ વધે નહીં તેની સંપૂર્ણ સતર્કતા આપણે રાખવાની છે. દરમિયાન આ નિર્ણયને પગલે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યૂનિટી સફારી પાર્ક અને વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણ કી વાવ પણ બંધ રહેશે. પ્રવાસીઓને આગામી ૨૫મી માર્ચ સુધી કોઈ પણ દર્શનીય સ્થળની મુલાકાત કરવા નહીં મળે ત્યારે શક્ય હોય ત્યાં સુધી મેળવડા કે પ્રવાસ કરવા ટાળવા જોઈએ.