નવી દિલ્હી,તા.૧૫
કોરોનાના સંકટની વચ્ચે લાખો યુવાનોની નોકરી જતી રહી છે. મોટી મોટી કંપનીઓએ પણ પોતાના કર્મચારીઓના પગારમાં કાપ મુક્યા છે. ત્યારે આવા સમયે એમ્પ્લોય પ્રોવિડંડ ફંડમાં જમા રહેલી રકમ કર્મચારીઓ માટે કામમાં આવી છે. કેન્દ્ર સરકારે ચોમાસુ સત્રમાં જણાવ્યુ છે કે, લોકડાઉનની જાહેરાત દરમિયાન ૨૫ માર્ચથી લઈને ૩૧ ઓગસ્ટ સુધીમાં ઈપીએફ મેંબર્સે ૩૯ હજાર કરોડથી પણ વધારે રકમ ઉપાડી છે.
શ્રમમંત્રી સંતોષ ગંગવારે લોકસભામાં લેખિતમાં આપેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યુ હતું કે, આ વર્ષ ૨૫ માર્ચથી લઈને ૩૧ ઓગસ્ટ સુધી ઈપીએફ ખાતામાંથી ૩૯,૪૦૨.૯૪ કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. જેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં પૈસા ઉપાડવામાં આવ્યા હતા. જ્યાં કર્મચારીઓએ કુલ ૭,૮૩૭.૮૫ કરોડ રૂપિયા ઉપાડ્યા છે. ત્યાર બાદ બીજા નંબરે કર્ણાટક આવે છે, જ્યાં લોકોએ પોતાના ફંડમાંથી ૫,૭૪૩.૯૬ કરોડ રૂપિયા ઉપાડ્યા છે. ત્રીજા નંબરે તમિલનાડૂ અને પુડુચેરી આવે છે, ત્યાં લોકોએ ૪,૯૮૪.૫૧ કરોડ રૂપિયા ઉપાડ્યા હતા.
દેશની રાજધાની દિલ્હીમાં આ સમય દરમિયાન લોકોએ પોતાના ખાતામાંથી ૨,૯૪૦.૯૭ કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. શ્રમ મંત્રાલય તરફથી સંતોશ ગંગવારે જણાવ્યુ હતું કે, કોરોનાના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનથી કેટલાય મજૂરો એને કર્મચારીઓ આવેલી આર્થિક મુશ્કેલીઓ માટે સરકારે ઘણા પગલા ભર્યા છે.