(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
કોરોના વાયરસના વૈશ્વિક ભરડા વચ્ચે ભારતના અર્થતંત્ર પર પડેલી અસરને કારણે અનેક મોટા નિર્ણયો લેવાયા છે જેમાં આરબીઆઇએ વ્યાજદરોમાં ૦.૭૫ ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો શક્તિકાંત દાસના નેતૃત્વમાં સૌથી મોટો સિંગલ રેટ ઘટાડો છે. ભારતની કેન્દ્રીય બેંકે ત્રણ મહિના માટે ઇએમઆઇ ચુકવણીમાંથી મુક્તિની જાહેરાત કરી દેવાઇ છે. વિશ્વવ્યાપી મહામારી કોરોના વાઇરસથી ભારતને બચાવવા શરૂ થયેલા ૨૧ દિવસના લોકડાઉન અને સંભવતઃ તેમાં હજુ વધારો થુવાની શક્યતાને જોતાં ગુરૂવારે રૂ. ૧.૭૦ લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કર્યા બાદ આજે દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ) દ્વારા પણ સામાન્ય બેંક લોન પરના વ્યાજદરને ઘટાડવામાં બેંકોને મદદ કરવા રેપોરેટમાં ૦.૭૫ બેસીસ ટકાનો ઘટાડો કરાયો હતો. રેપો રેટ પહેલા ૫.૧૫ ટકા હતો, હવે તે ઘટીને ૪.૪૦ ટકા થઈ ગયો છે. કોરોનાવાઈરસના કારણે દેશમાં ચાલી રહેલા લોકડાઉનથી અર્થવ્યવસ્થા અને જનજીવન વ્યાપક પ્રમાણમાં પ્રભાવિત થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે રેપો રેટ એ હોય છે જેના પર આરબીઆઈ બેંકોને લોન આપે છે માટે રેપો રેટમાં ઘટાડો થવાથી બેંકોને લોન સસ્તામાં મળશે અને તેના કારણે લોન લેનાર લોકોની ઈએમઆઈ પણ સસ્તી થવાની પૂરી શક્યતા છે. ઉપરાંત આરબીઆઈએ રિવર્સ રેપો રેટમાં પણ ૯૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે જે હવે ૪.૯ ટકાથી ઘટીને ૪ ટકા થઈ જશે. ઉપરાંત આરબીઆઈએ તમામ બેંકોને કેશ રિઝર્વ રેશિયો પણ એક ટકા એટલે કે ૧૦૦ બેસિસ પોઈન્ટ ઘટાડીને ૩ ટકા કરી દીધો છે. હવે આ પૂરા એક વર્ષ માટે ૪ ટકાની જગ્યાએ ૩ ટકા હશે. કેશ રિઝર્વ રેશિયો અંતર્ગત બેંક પોતાની જમા કેટલાક ટકા રકમ આરબીઆઈ પાસે રાખી શકે છે. તેમાં ઘટાડો થવાથી બેંકોની પાસે ૧.૩૭ લાખ કરોડ રૂપિયાની રકમ બેંકોમાં મળી જશે. આરબીઆઈએ તમામ બેંકોને સલાહ આપી છે કે તે ગ્રાહકો પાસેથી ત્રણ મહિના માટે ઈએમઆઈ લેવાનું ટાળવામાં આવે. કહેવાય છે કે આરબીઆઈની આ એડવાઈઝરીને કારણે બેંક પોતાના ગ્રાહકોને ઈએમઆઈના મોર્ચે કેટલીક રાહત આપી શકે છે. જોકે એ સ્પષ્ટ છે કે તેને લઈને આરબીઆઈએ નિર્ણય બેંકો પર છોડ્યો છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા પર કોરોના મહામારીની અસર પડી શકે છે અને દેશના અનેક સેક્ટર પર તેની નેગેટિવ અસર પડશે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં પણ મંદી આવી શકે છે અને તેના કારણે આર્થિક સ્થિરતા પ્રભાવિત થઈ શકે છે. આરબીઆઈએ કહ્યું કે, તેનું ફોકસ આર્થિક સ્થિરતા પર છે અને વિશ્વના અનેક દેશ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યા છે. ભારતમાં લોકડાઉનને કારણે આર્થિક ગતિવિધિઓ ઠપ્પ થઈ ગઈ છે પરંતુ આરબીઆઈનું ધ્યાન લોકોને રાહત આપવા પર છે માટે આરબીઆઈએ મોટો નિર્ણય કર્યો છે. કોરોના વાયરસ સામે લડવા માટે રિઝર્વ બેંક દ્વારા જાહેરા કરાયેલી રાહતો માટે થયેલા મતદાનમાં છ માંથી ચાર લોકોએ તરફેણમાં જ્યારે બે લોકોએ વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું. આરબીઆઇએ પોતાના નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે, તમામ કોમર્શિયલ બેંકો(પ્રાદેશિક રૂરલ બેંકો, નાના ફાયનાન્સ બેંકો અને સ્થાનિક વિસ્તારની બેંકો સહિત) ઉપરાંત એનબીએફસી(હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓ અને માઇક્રો-ફાયનાન્સ સંસ્થાઓ સહિતની) (‘‘ધિરાણ આપતી સંસ્થાઓ’’)ને ૧ માર્ચ ૨૦૨૦થી બાકી ચુકવણીઓ પર ત્રણ મહિનાની મુક્તિ આપવાની પરવાનગી આપી છે. આ જાહેરાત કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉનને પગલે ભોગવી રહેલા લોકો માટે ૧.૭૦ લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરવાના બીજા દિવસે કરાઇ છે.

ત્રણ મહિના પછી ઇએમઆઇ ભરવા પડશે

ઇએમઆઇ પેમેન્ટમાં છુટનો અર્થ એ નથી કે તમારે બાકી નીકળતા ઇએમઆઇને ચૂકવવા પડશે નહિ. માત્ર ત્રણ મહિના ટાળી શકો છો. પછીથી ચુકવણી કરવી પડશે. આ પગલું એ હેતુથી ઉઠાવવામાં આવ્યું છે કે લોકડાઉનના કારણે જેની પાસે ખરેખર કેશની અછત છે તેને લોનની ચુકવણીમાં થોડો સમય મળી જાય. એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે જેમની પાસે પરુતા પ્રમાણમાં કેશ છે તેમણે ઇએમઆઇ સમય પર જ ચુકવવો જોઈએ નહિતર તેમની પર પણ બોજો વધશે.

રિઝર્વ બેંકના નિર્ણયોની એક ઝલક

* વ્યાજદરમાં ૦.૭૫%નો ઘટાડો
* રેપોરેટ ૪.૪% કર્યો
* MPC સભ્યોએ ૪-૨ની તરફેણમાં આપ્યા મત
* Q૪માં ૪.૭% GDPનો અંદાજ LAF ૦.૯% ઘટાડીને ૪% કર્યા
* ખાનગી અને સરકારી બેંકોને ઝ્રઇઇમાં ૧% ઘટાડો
* CRR ૪%થી ઘટાડીને ૩% કર્યા
* ૧.૩૭ લાખ કરોડની વધારાની લિક્વિડિટી બેંકોને મળશે
* ૨૬મી જુન સુધી આ સહાય
* SLR, CRR અને અન્ય પગલાંને કારણે સિસ્ટમને વધારાની ૩.૭૪ લાખ કરોડની લિક્વિડિટી મળશે
* ૩ મહિનાના EMI નહિ ચૂકવો તો ચાલશે
* ૧લી માર્ચથી ૩ માસ સુધી આ રાહત મળશે
* ૩ મહિના સુધી EMI ચૂકવવા પર રાહત
* પૈસા ન ચૂકવવા પર કોઈ ડિફોલ્ટર્સ જાહેર નહિ થાય
* બેંકો અને NBFC અને અન્ય નાણાંકીય સંસ્થાઓને ૩ માસનો મોરેટોરિયમ મળશે
* હપ્તો ન ચૂકવતા લોનધારકનો ક્રેડિટ સ્કોર ઘટાડી નહિ શકાય