(એજન્સી) તા.૧૯
મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટેનું મતદાન સંપન્ન થઈ ગયું છે જેમાં ૨૦૬ ધારાસભ્યોએ પોતાના મતનો પ્રયોગ કર્યો હતો. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પણ મતદાન કર્યું હતું. જ્યારે કોંગ્રેસના કોરોનાથી સંક્રમિત ધારાસભ્ય કૃણાલ ચૌધરી પણ પીપીઈ કીટ પહેરીને મધ્ય પ્રદેશ વિધાનસભામાં મતદાન માટે પહોંચ્યા હતા. વહેલી સવારે ૯ઃ૦૦ કલાકે મતદાનની શરૂઆત થઈ હતી અને નિર્ધારિત સમય ૪ વાગ્યા પહેલા તે સંપન્ન થઈ ગયું હતું. સૌથી છેલ્લે કોરોના પોઝિટિવ ધારાસભ્ય કૃણાલ ચૌધરી મતદાન માટે પહોંચ્યા હતા અને તે સમયે વિધાનસભા પરિસરમાં તમામ લોકો દૂર ઊભા રહી ગયા હતા. લોકોએ દૂર ઊભા રહીને કોરોના સંક્રમિત ધારાસભ્યનો વીડિયો ઉતાર્યો હતો. કૃણાલ ચૌધરીને મતદાન માટે અલગથી મંજૂરી આપવામાં આવી હતી અને હોસ્પિટલની કોઈ વ્યક્તિ તેમની સાથે પીપીઈ કીટ પહેરીને હાજર રહી હતી. કૃણાલ ચૌધરી શાજાપુર જિલ્લાની કાલાપીપલ બેઠકના ધારાસભ્ય છે અને યુથ કોંગ્રેસ સાથે પણ જોડાયેલા છે. થોડા દિવસો પહેલા તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા અને ભોપાલમાં તેમની સારવાર ચાલી રહી છે. જોકે હવે તેમની તબિયત સુધારા પર છે. વિધાનસભા સચિવાલયે બીમાર ધારાસભ્યો માટે પોસ્ટ બેલેટની વ્યવસ્થા કરી હતી પરંતુ કોઈએ તેના માટે અરજી નહોતી કરી. ત્યારથી જ કૃણાલ ચૌધરી પીપીઈ કીટ પહેરીને મતદાન માટે આવશે તેવી અટકળો ચાલુ થઈ ગઈ હતી. કૃણાલ ચૌધરી મતદાન બાદ વિધાનસભા પરિસરમાંથી બહાર નીકળ્યા એટલે સમગ્ર પરિસરને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું અને વોટિંગના સ્થળને પણ સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. મતદાન પહેલા વિધાનસભા સચિવાલયે સમગ્ર વ્યવસ્થા કરી રાખી હતી અને મતદાન સમયે ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓ અંતર જાળવીને ઊભા રહ્યા હતા. કૃણાલ ચૌધરી ત્યાં પહોંચ્યા તેના પહેલા જ બાકીના ધારાસભ્યોએ પોતાના મતનો પ્રયોગ કરી લીધો હતો.
મધ્ય પ્રદેશ વિધાનસભામાં કુલ ૨૩૦ બેઠક છે અને હાલ ૨૪ બેઠકો ખાલી હોવાથી વિધાનસભાની પ્રભાવી સંખ્યા ૨૦૬ છે. તેમાં બીજેપીના ફાળે ૧૦૭, કોંગ્રેસના ફાળે ૯૨, બસપા અને સપાના ફાળે ૨-૨ તથા ૪ અપક્ષ ધારાસભ્યોની છે. આ સંજોગોમાં રાજ્યસભામાં પસંદગી માટે કોઈ પણ ઉમેદવારે ૫૨ મત મેળવવા પડે. આ સંખ્યા બળના હિસાબથી ભાજપના બંને ઉમેદવાર આ ચૂંટણી જીતવા અનુકૂળ સ્થિતિમાં છે.