(એજન્સી) તા.૭
વિશ્વના ૮૦થી વધુ દેશોમાં કોરોના વાયરસથી ભયનું વાતાવરણ છે. કોરોનાના કારણે સઉદી અરબે મુસ્લિમ શ્રદ્ધાળુઓના મક્કા અને મદીનાશરીફના પ્રવાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો પરંતુ શુક્રવારે આ નિર્ણયને પરત લઈ લેવામાં આવ્યો છે. સમાચાર મુજબ શુક્રવારે સઉદી અરબે મક્કા અને મદીનાના પવિત્ર સ્થળો ફરીથી ખોલી દેવામાં આવ્યા છે. સઉદી અરબે પવિત્ર શહેર મક્કા અને મદીનામાં કોરોના વાયરસને રોકવાને ધ્યાનમાં રાખતાં બુધવારે ‘ઉમરાહ’ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સઉદી પ્રેસ એજન્સીએ આંતરિક મામલાઓના મંત્રાલય તરફથી અપાયેલા નિવેદનના હવાલાથી જણાવ્યું કે ખાડીના આ દેશે નાગરિકો અને અહીં રહેતા લોકો માટે થોડાક સમય માટે ઉમરાહ પર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. અઠવાડિયા પહેલાં પણ સઉદી અરબે ખાડી સહયોગ પરિષદના તમામ છ દેશોના નાગરિકોના મક્કા તેમજ મદીના જવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સઉદી અરબમાં સોમવારે કોરોના વાયરસના પ્રથમ કેસનું સમર્થન થયું હતું. જ્યારે ઈરાનથી પરત ફરેલ એક નાગરિકને ઈન્ફેકશન હતું. જણાવી દઈએ કે એક માત્ર ચીનમાં જ કોરોના વાયરસથી મૃત્યુ પામનારાઓની સંખ્યા ૩૦૦૦થી વધુને પાર થઈ ચૂકી છે.