પ્રતિ શ્રી,
ભારતના બધા મુખ્યમંત્રીઓ અને ઉપરાજ્યપાલો
માનનીય મુખ્યમંત્રીઓ/ઉપરાજ્યપાલો
અમે ભારતભરમાં અને કેન્દ્રીય સેવાઓમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ્‌ સનદી અધિકારીઓ છીએ. અમે કોઈ એક રાજકીય વિચારધારા સાથે જોડાયેલા નથી પરંતુ અમે એ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે ભારતીય બંધારણમાં સામેલ છે. અમે ર૦૧૭માં સાથે મળીને કોન્સ્ટીટ્યુશનલ કન્ડક્ટ ગ્રુપની રચના કરી ત્યારથી ચર્ચાસભાઓ યોજીએ છીએે અને અમારા ચિંતાના વિષયો પર જાહેર પત્ર લખીએ છીએ. અમે ખૂબ જ વેદના સાથે આ બાબત પ્રત્યે તમારૂં ધ્યાન દોરવા માંગીએ છીએ કે માર્ચમાં દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં યોજાયેલા તબ્લીગ જમાતના કાર્યક્રમ પછી દેશના કેટલાક ભાગોમાં મુસ્લિમોની હેરાતગતિના અહેવાલો આવ્યા હતા. દેશમાં જ્યારે કોવિડ-૧૯ના કેસોની શરૂઆત થઈ રહી હતી. ત્યારે સામાજિક અંતરના સિદ્ધાંતોની અવગણના કરવા બદલ તબ્લીગ જમાતની ટીકા થઈ હતી. જો કે આ પ્રકારની આ એકમાત્ર ઘટના ન હતી. આમ છતાં રાજકીય, ધાર્મિક અને મીડિયાના વર્ગોએ કોવિડ-૧૯ને કોમવાદી રંગ આપી દીધો અને દેશના જુદા જુદા ભાગોમાં વાયરસના ફેલાવાને તબ્લીગી જમાતનું ઈરાદાપૂર્વકનો કૃત્ય ગણાવી દેવામાં આવ્યું. દિલ્હી સરકારની માર્ગદર્શિકાને અવગણી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવું ચોક્કસપણે ગેરમાર્ગે દોરનારું અને નીંદનીય કૃત્ય છે. પરંતુ તેને કોમવાદી રંગ આપી સમગ્ર મુસ્લિમ સમુદાય સાથે જોડી દેવાનું મીડિયાનું કૃત્ય પણ સંપૂર્ણપણે બેજવાબદાર અને ઠપકાને પાત્ર છે.
આ પ્રકારના મીડિયા કવરેજના કારણે દેશના કેટલાક ભાગોમાં મુસ્લિમો સામેના વેરભાવમાં વધારો થયો છે. એવી બનાવટી વીડિયોક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં મુસ્લિમ ફેરિયા ઈરાદાપૂર્વક કોરોના વાયરસ ફેલાવવા માટે ફળો અને શાકભાજી પર થૂંકી રહ્યા છે. એવા પણ કેસો નોંધાયા છે કે ફેરિયાઓને તેમનો ધર્મ પૂછવામાં આવ્યો હોય અને તે મુસ્લિમ છે તે જાણ્યા પછી તેની સાથે ઈરાદાપૂર્વક મારપીટ કરવામાં આવી હોય. મહામારીને કારણે ઊભા થયેલા ભય અને અસુરક્ષાની ભાવનાનો ઉપયોગ કરી મુસ્લિમોને ‘અલગ’ કરવામાં આવી રહ્યા છે કે જેથી તેમને જાહેરસ્થળોએથી દૂર રાખી શકાય. એવા પણ અહેવાલો આવ્યા હતા કે પશુધન સાથે પંજાબથી હિમાચલપ્રદેશ સ્થળાંતર કરી રહેલા મુસ્લિમ ગુર્જરોને સરહદ પર રોકી લેવામાં આવ્યા હતા. કારણ કે સરહદની બીજી તરફ તેમને પ્રવેેશતા રોકવા માટે ટોળાએ તંગદિલી ઊભી કરી હતી. બિહારના નાલંદા જિલ્લાના બિહારશરીફમાં આવેલા માર્કેટમાં બિન-મુસ્લિમ ફેરિયાઓની ઓળખાણ માટે તેમની લારીઓ પર ધજાઓ લગાડવામાં આવી હતી કે જેથી લોકો તે જ લારીઓ પરથી જ ખરીદી કરે. આ ઘટનાઓ મુસ્લિમોનો સામાજિક બહિષ્કાર દર્શાવે છે. વધુ હતાશાજનક બાબત તો એ છે કે હોસ્પિટલો અને સ્વાસ્થ્ય સેવાઓમાં પણ મુસ્લિામો સાથે ભેદભાવના અહેવાલો આવ્યા હતા. વારાણસીના મદનપુરા વિસ્તારમાં રહેતી મુસ્લિમ વણકર મહિલા ફૌઝિયા શાહીનને પ્રસૂતિની પીડા ઉપડતા તેણે અનેક હોસ્પિટલો અને ક્લિનિકના ધક્કા ખાધા હતા પરંતુ બનારસ હિન્દુ યુનિ. ખાતે આવેલી સર સુંદરલાલ હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલોએ તેની પ્રસૂતિ કરાવવાનો ઈન્કાર કર્યો હતો. છેવટે આ મહિલાએ હોસ્પિટલની બહાર બાળકને જન્મ આપ્યો. સોશિયલ મીડિયામાં હોબાળો મચ્યા પછી પોલીસે મેરઠની એક ખાનગી હોસ્પિટલ સામે કેસ નોંધ્યો હતો. તેણે એક સમાચારપત્રમાં જાહેરાત આપી કહ્યું હતું કે કોવિડ-૧૯નો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ મુસ્લિમ દર્દીની સારવાર કરવામાં આવશે. જ્યારે અમદાવાદમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત બનેલા મુસ્લિમ દર્દીઓ માટે હોસ્પિટલમાં જુદો વોર્ડ બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત એવા અહેવાલો પણ આવ્યા હતા કે સરકાર તરફથી વિતરિત કરવામાં આવેલા રાશન અને રોકડથી મુસ્લિમોને વંચિત રાખવામાં આવ્યા હતા. જ્યારે આખો દેશ આઘાતમાં છે ત્યારે આપણે એકજૂથ રહીને જ આ મહામારીએ ઊભા કરેલા પડકારોનો સામનો કરી શકીએ છીએ. અમે આ મહામારીના સમયે બિનસાંપ્રદાયિક અભિગમ ધારણ કરનાર મુખ્યમંત્રીઓની પ્રશંસા કરીએ છીએ. આપણે આ યાદ રાખવું જોઈએ કે ભારતે મુસ્લિમ દેશો સાથે સારા સંબંધો જાળવ્યા છે અને તેઓ આપણને મિત્ર ગણે છે. આપણા દેશના લાખો નાગરિકો આ દેશમાં વસવાટ કરી ત્યાં કામ કરે છે. તાજેતરની ઘટનાઓ અંગે આ દેશોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. આપણે ભેદભાવરહિત કાર્યવાહી અને રાહતકામો કરી આ સુનિશ્ચિત કરવું જોઈએ કે ભારતમાં લઘુમતીઓ માટે કશું પણ ભયજનક ન હોય. અમે આ હાકલ કરીએ છીએ કે બધા લોકો સામાજિક અંતર જાળવે અને ચેહરો ઢાંકવા અને હાથ ધોવા અંગેના નિર્દેશોનું પાલન કરે. આ અફવાઓમાં કોઈ તથ્ય નથી કે આપણા દેશમાં એક સમુદાય વિશેષમાં અન્ય સમુદાયો કરતાં વધુ પોઝિટિવ કેસો છે. કર્ણાટકમાં ૮ એપ્રિલે ત્રણ હિન્દુ યુવકોએ કોરોના વાયરસનો ચેપ ધરાવતા મુસ્લિમો બનવાનું નાટક કરી મુસ્લિમ સમુદાયને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. અમે બધી વહીવટી સંસ્થાઓને વિનંતી કરીએ છીએ કે તેઓ રાજ્યમાં કોઈપણ સમુદાયનો સામાજિક બહિષ્કાર ન થાય તે માટે સચેત રહે. આ ગંભીર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કટોકટીના સમયે અમે દેશના લોકોમાં મતભેદો વધારવાને બદલે તેમને એકજૂટ રાખવા માટે તમારી નેતાગીરી પર આધારિત છીએ. સત્યમેવ જયતે.
– તમારા વિશ્વાસુ
કોન્સ્ટીટ્યુશનલ કન્ડક્ટ ગ્રુપના ૧૦૧ પૂર્વ સનદી અધિકારીઓ (હસ્તાક્ષર)

૧૦૦ જેટલા અગ્રણી નાગરિકોએ ગૃહમંત્રાલયને પત્ર લખી મુસ્લિમોને અલગ પાડી દેવા અંગે તેમજ લોકશાહીના દમન અંગે પ્રશ્ન કર્યો

(એજન્સી) તા.૨
લોકડાઉન વચ્ચે ૧૦૦થી વધુ કર્મશીલોએ ગૃહમંત્રાલયને પત્ર લખી પોલીસ અને કાયદાકીય પ્રણાલિમાં પ્રવર્તમાન કોમવાદ તરફ ધ્યાન દોર્યું છે. આ પત્રમાં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં માર્ચ ર૦ર૦માં થયેલા રમખાણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યાં ભાજપના નેતાઓએ પોલીસ સાથે ઊભા રહીને હિંસા આચરવાની ધમકી આપી હતી. આ ધમકીના ચાર દિવસ પછી ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હત્યાઓ, બળાત્કાર અને લૂંટફાટની અનેક ઘટનાઓ ઘટી હતી. આ હિંસામાં પ૩ લોકોનાં મોત થયા હતા અનેક લોકો ઘાયલ થયા હતા. ૧૯ મસ્જિદો શહીદ કરવામાં આવી તેમજ મુસ્લિમોના ઘરો-દુકાનો સળગાવી દેવામાં આવી. આ હિંસામાં લગભગ ૧ બિલિયન અમેરિકન ડોલરનું આર્થિક નુકસાન થયું હતું. આટલું ઓછું હોય તેમ ભાજપ સરકાર લોકડાઉન દરમિયાન પણ વિરોધને દબાવવા માટે કઠોર કાયદાઓનો ઉપયોગ કરી રહી છે. સિવિલ સોસાયટીના આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, લોકડાઉને સરકાર વિરોધીઓની ધરપકડ અને અટકાયત માટે પોલીસને કવચ પૂરું પાડયું છે. આ નિવેદનમાં કર્મશીલોએ કહ્યું હતું કે, અમે નોંધ્યું હતું કે, લોકડાઉનની મેનેજમેન્ટ પ્રક્રિયા દરમિયાન લઘુમતીઓને લક્ષ્યાંક બનાવી હિન્દુત્વના એજન્ડાને આગળ વધારવામાં આવ્યો છે.