(એજન્સી) તા.૪
અમેરિકાએ કોરોના વાયરસના ફેલાવા માટે ધાર્મિક લઘુમતીઓને દોષિત ગણાવવા એ યોગ્ય નથી એવું જણાવીને ભારપૂર્વક કહ્યું છે કે વિશ્વભરની સરકારોએ કોવિડ-૧૯ની વ્યૂત્પત્તિ અંગે દોષારોપણનો ખેલ આક્રમક રીતે બંધ કરવો જોઇએ. આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટે અમેરિકાના રાજદૂત સેમ બ્રાઉન બેકે ધાર્મિક સમૂહોને સામાજિક અંતરનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
સાથે જ દુનિયાભરમાં ખાસ કરીને ઇરાન અને ચીનમાં શાંતિપૂર્ણ ધાર્મિક કેદીઓને મુક્ત કરવાની માગણી કરી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે કોરોના જેહાદ હેશટેગ ટ્રેન્ડ કરવા અંગે ભારતીય અધિકારીઓ સાથે વાતચીત કરી છે ? તો તેમણે જણાવ્યું હતું કે મેં હજુ સુધી ભારતીય અધિકારીઓ સાથે વાત કરી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે બ્રાઉન બેકની આ ટિપ્પણી નવી દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલિગી જમાતના ધાર્મિક આયોજનને લઇને આવી છે. બ્રાઉન બેકે ધાર્મિક લઘુમતીઓ પર કોરોનાની અસર પર કોન્ફરન્સ કોલ દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે મારું કહેવું છે કે ધાર્મિક સમૂહોએ પણ સામાજિક અંતર જાળવવું જોઇએ.
એક પ્રશ્નના ઉત્તરમાં બ્રાઉન બેકે જણાવ્યું હતુ ંકે અમેરિકા કોવિડ-૧૯ વાયરસ માટે ધાર્મિક લઘુમતીઓ પર આરોપ મૂકવાની હરકત પર નજર રાખી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે દુર્ભાગ્ય રીતે વિવિધ સ્થળોએ આવું થઇ રહ્યું છે. સરકારો દ્વારા આવું કરવું ખોટું છે. સરકારે આવી હરકત બંધ કરવી જોઇએ અને સ્પષ્ટપણે જણાવવું જોઇએ કે કોરોના વાયરસ માટે ધાર્મિક લઘુમતી સમુદાય જવાબદાર નથી અને તેઓ કોરોના વાયરસનો સ્ત્રોત નથી.
પરંતુ દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે આજકાલ દુનિયાના વિવિધ દેશોમાં આરોપ પ્રત્યારોપ જોવા મળી રહ્યાં છે અને અમે આશા રાખીએ કે સરકાર આક્રમકતાથી તેને ફગાવી દેશે. બ્રાઉન બેકે સરકારોને સંકટની આ પળે ધાર્મિક લઘુમતીઓ સાથે કામ કરવા અને તેમને આવશ્યક સંસાધનો અને મદદ મળે તે સુનિશ્ચિત કરવા અપીલ કરી છે.