(એજન્સી) ભોપાલ, તા. ૧૬
મધ્યપ્રદેશના સ્પીકર એનપી પ્રજાપતિએ કોરોના વાયરસના ભયને પગલે વિધાનસભા ૨૬મી માર્ચ સુધી સ્થગિત કરી દીધી છે જેના કારણે ભાજપ નારાજ થયો છે. પ્રજાપતિના વલણથી નારાજ ભાજપે કોઇ પણ સમય બરબાદ કર્યા વિના સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેની સુનાવણી મંગળવારે થશે. આ પહેલા સોમવારે વિધાનસભામાં ત્યારે ભારે હંગામો થયો જ્યારે રાજ્યપાલ લાલજી ટંડનને તેમના ભાષણનો છેલ્લો પેજ વાંચવા માટે અનુરોધ કરાયો હતો. કોંગ્રેસના સભ્યો દ્વારા વિરોધ સાથે ગૃહનું સન્માન જાળવવા કહેવાયું હતું જ્યારે ભાજપ પર ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવાયો હતો.
આજે વિધાનસભાનું કામકાજ શરુ થતાં જ બેંગલુરુમાં રહેલા ધારાસભ્યો ભોપાલ આવી પહોંચ્યા હતા. એક તરફ વિરોધપક્ષના નેતા ગોપાલ ભાર્ગવ કમલનાથનું રાજીનામું માગી રહ્યા હતા. ત્યારે બીજી તરફ કોંગ્રેસ પોતાના કેટલાક ધારાસભ્યોનું અપહરણ કરાયું હોવાના આરોપ લગાવતી રહી હતી. કમલનાથના મંત્રી પીસી શર્માએ જણાવ્યું હતું કે, તેમની સરકાર ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે.આજે રાજ્યપાલના અભિભાષણ બાદ વિધાનસભામાં ખાસ્સો હોબાળો પણ થયો હતો. રાજ્યપાલે પોતાના ભાષણમાં દરેકે બંધારણ હેઠળ કાયદાનું પાલન કરવું જોઈએ, જેથી મધ્ય પ્રદેશનું ઔચિત્ય જળવાઈ રહે તેમ જણાવ્યું હતું. જેની સામે કોંગ્રેસના ધારાસભ્યોએ જોરદાર હોબાળો શરુ કરી દીધો હતો. જેના કારણે કેટલોક સમય કામકાજ ખોરંભે ચઢી ગયું હતું. રાજ્યમાં હાલ ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે આજે ભારે હોબાળા બાદ સ્પીકરે કોરોના વાયરસના ખતરાનું કારણ આગળ ધરીને ૨૬ માર્ચ સુધી વિધાનસભાના કામકાજને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના ગવર્નર લાલજી ટંડને ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો હતો, પરંતુ આજે ફ્લોર ટેસ્ટ નહોતો થઈ શક્યો. વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા પહેલાં સીએમ કમલનાથે રાજ્યપાલને એક પત્ર મોકલ્યો. આ પત્રમાં આરોપ લગાવ્યો કે ભાજપે કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યોને બંધક બનાવ્યા છે. અહીં તેઓ કોંગ્રેસના દગાખોર ધારાસભ્યોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જે હાલ બેંગલુરૂમાં છે. સીએમ કમલનાથે લખ્યું કે આવી સ્થિતિમાં ફ્લોર ટેસ્ટ કરાવવો અલોકતાંત્રિક અને અસંવૈધાનિક છે. ધૂળેટીના દિવસે જ સિંધિયાએ કોંગ્રેસ છોડી હતી. તેમની સાથે તેમના સમર્થક મંત્રીઓ અને ધારાસભ્યોએ પણ રાજીનામાં ધરી દીધા હતા. સિંધિયાના વિશ્વાસુઓને બેંગલુરુ લઈ જવામાં આવ્યા હતા. પાતળી બહુમતીમાં રહેલી કમલનાથ સરકાર એક સાથે ૨૦ જેટલા ધારાસભ્યોએ રાજીનામું આપી દેતાં રાતોરાત લઘુમતીમાં આવી ગઈ હતી.