વિરપૂર,તા.રપ
હાલ કોરોના વાયરસને લઈને ગુજરાતમાં પગ પસેરો કરી ચુક્યો છે ત્યારે મહિસાગર જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાયરસ સંદર્ભે કંટ્રોલ રૂમ ઠેર ઠેર શરૂ કરવામાં આવી રહ્યાં છે. જે પૈકી વિરપુર ગંગાબેન સારાભાઈ (સીએચસી) હોસ્પિટલ અને ધન્વંતરી આયુર્વેદિક હોસ્પિટલ કોયડમ ખાતે કોરોના વાયરસ ભાગ રૂપે આઈસોલેશન વોર્ડ ચાલુ કરવામાં આવ્યા છે. મહિસાગર જિલ્લા આરોગ્ય અધિકારી સ્વપ્નીલ શાહ નોવેલ કોરોના વાઈરસ અંગે હેન્ડ શેક નહીં પણ કહો નમસ્તેની અપીલ સાથે સમગ્ર જિલ્લામાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સીએચસી પીએચસી સેન્ટરોમાં કોરોના વાયરસની જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડવા માટે વિવિધ વિસ્તારોમાં કેમ્પો યોજવામાં આવી રહ્યા છે અને સ્થાનિક મેડિકલ ઓફિસર તેમજ સ્ટાફને લઈને પુર્વ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. હાલ વિરપુર આરોગ્ય અધિકારી બી.જે. માલીવાડ દ્વારા કોરોના વાયરસને પહોંચી વળવા બે જગ્યાએ આઈસોલેશન વોર્ડ ચાલુ કરવામાં આવ્યા છે. વિરપુર ગંગાબેન સારાભાઈ હોસ્પિટલ ખાતે પાંચ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે વધુ ગંભીર પરીસ્થીતી ના સર્જાય તે માટે ધન્વંતરી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ૩૫ બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આમ બંને જગ્યાએ થઈને ટોટલ ૪૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.