(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
દેશના ૨૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ કોરોના સંક્રમણના સંકજામાં આવી ગયા છે. સંક્રમિતોની સંખ્યા બુધવારે સવાર સુધી ૬૦૦ની નજીક પહોંચી ગઈ છે, અને અત્યાર સુધી ૧૧ લોકોના જીવ ગયા છે.આ સાથે જ ગૃહ મંત્રાલયે કોરોનાના કારણે ૨૦૨૧ના જનગણતરીનો પહેલો તબક્કો સ્થગિત કરી દીધો છે. રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર અપડેશન પણ હાલ ટાળી દેવાયું છે. તમિલનાડુના મદુરૈમાં સવારે ૫૪ વર્ષીય સંક્રમિત દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. કોરોનાના સૌથી વધારે ૧૧૬ કેસ મહારાષ્ટ્રમાં છે, જ્યારે કેરળ ૧૦૯ કેસ સાથે બીજા નંબરે છે. મંગળવારે અડધી રાતે આગામી ૨૧ દિવસો માટે તમામ રાજ્યોમાં લોકડાઉન કરવાની વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી. આ સાથે જ તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કહ્યું કે, લોકો લોકડાઉનનું ઉલ્લંઘન ન કરે. અમેરિકામાં આના માટે સેના બોલાવવી પડી હતી. જો આપણા અહીંયા સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો ગોળી મારવાના આદેશ આપવા માટે મજબૂર થવું પડશે. કોરોનાના સંક્રમણના કારણે ૧૫ દિવસમાં ૧૧ લોકોના મોત થઈ ગયા છે. બુધવારે સવારે મદુરૈમાં ૫૪ વર્ષીય કોરોના સંક્રમિત દર્દીનું મોત થઈ ગયું છે. તમિલાનડુના સ્વાસ્થ્ય મંત્રી સી વિજય ભાસ્કરે કહ્યું કે, દર્દીને લાબાં સમયથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની સમસ્યા હતી. રવિવારે મધ્યપ્રદેશમાં પ્રોફેસર કોલોનીમાં પોઝિટિવ મળી આવેલી છોકરીના પિતા પણ સંક્રમિત થયા છે. છોકરીના પિતા પત્રકાર છે. તેઓ ૨૦ માર્ચે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થયા હતા. જેમાં કમલનાથે રાજીનામાની જાહેરાત કરી હતી. પત્રકારમાં સંક્રમણ સામે આવવાના કારણે કમલનાથે પણ પોતાને આઈસોલેટ કરી લીધા છે. પંજાબમાંં લોકડાઉનના પહેલો દિવસ હતો, પરંતુ અહીંયા ત્રણ દિવસથી કર્ફ્યૂ લાગુ છે. પરંતુ બજારમાં ભીડ એવી છે, જાણે કોઈ તહેવાર હોય. મોટાભાગના શહેરોમાં આ જ સ્થિતિ છે. પોલીસે પહેલા હાથ જોડીને સમજાવ્યા, લોકો ન માન્યા તો કડકાઈ પણ કરી. ઘણી જગ્યાએ લોકોને લાકડીઓથી મારવામાં આવ્યા, હોશિયારપુરમાં સંતાતા સંતાતા જાન લઈને જનારા વરરાજા પર પણ પોલીસે કેસ કર્યો છે. તંત્રએ લોકોને અપીલ કરી છે કે જરૂરી વસ્તુઓની સપ્લાઈ ઘરે ઘરે જઈને કરવામાં આવશે. ઝારખંડમાં ઘણી જગ્યાઓ પર બજારમાં રાશન એકઠું કરવા માટે ભીડ જોવા મળી હતી, તો ઘણા એવા વિસ્તાર હતા જ્યાં લોકો કતારોમાં સામાન લેતા જોવા મળ્યા હતા. ત્યારબાદ જનતાએ વાત ન માનતા ગુમલા, ધનબાદ, જમશેદપુર, લોહદગા, પલામૂ સિવાય અન્ય શહેરોમાં પોલીસે મોર્ચો સંભાળ્યો હતો.