(એજન્સી) નવી દિલ્હી,તા. ૨૫
ભારતમાં કોરોના વાયરસને ફેલાતા અટકાવવા માટે સમગ્ર દેશમાં ૨૧ દિવસના લોકડાઉનની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. નિષ્ણાતોના એક અંદાજ મુજબ ૨૧ દિવસ સુધી સમગ્ર દેશમાં લોકડાઉનથી દેશને ૧૨૦ અબજ ડોલર (૯ લાખ કરોડ રૂપિયા)નું નુકસાન થશે અથવા ભારતના જીડીપીમાં ૪ ટકાનો ઘટાડો થશે. નિષ્ણાતોએ ૯ લાખ કરોડ રૂપિયાના નુકસાનની ચેતવણી આપીને આર્થિક પેકેજ જાહેર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. નિષ્ણાતોએ એવું પણ કહ્યું છે કે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) ૩જી એપ્રિલે તેની પ્રથમ દ્વિમાસિક સમીક્ષા જાહેર કરવાની છે અને સમીક્ષામાં દરમાં ભારે ઘટાડો થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે દરમાં કાપ મૂકાવાથી રાજકોષીય ખાધનો ટાર્ગેટ પણ પાર થઇ જશે. બ્રિટિશ બ્રોકરેજ બાર્કલેઝે ૨૦૨૦ના કેલેન્ડર વર્ષ માટે ભારત માટે અગાઉ કરેલો ૪.૫ ટકાના જીડીપીનો અંદાજ ઘટાડીને હવે ૨.૫ ટકા કરી દીધો છે. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટેનો અગાઉનો અંદાજ પણ ૫.૨ ટકાથી ઘટાડીને ૩.૫ ટકા કરી દીધો છે.