કોરોના વાયરસના ભયને જોતાં ભારતીય નૌકા દળે વિશાખાપટ્ટનમમાં થનારા ‘મિલાન ૨૦૨૦’ નૌકાદળ અભ્યાસ મુલતવી રાખ્યો છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આ અભ્યાસનું આયોજન ૧૮-૨૮ માર્ચ દરમિયાન થવાનો હતો. એક સત્તાવાર નિવેદન જારી કરી કહેવાયું છે કે, કોરોના વાયરસના ભય અને પ્રતિભાગીઓની સુરક્ષાને ધ્યાને રાખી વિશાખાપટ્ટનમમાં ૧૮થી ૨૮મી માર્ચ સુધી આયોજિત કરાનારા બહુપક્ષીય નૌકાદળ અભ્યાસને સ્થગિત કરાયો છે. આ અભ્યાસની શરૂઆત ૧૯૯૫માં કરાઇ હતી. આ અભ્યાસ ૨૦૧૮ સુધી અંદમાન અને નિકોબારમાં કરાતો હતો. ભારતીય નેવીના સત્તાવાર નિવેદનમાં કહેવાયું છે કે, મિલાન ૨૦૨૦માં અનેક દેશોની સેનાઓ ભાગ લે છે અને તેને સારો પ્રતિસાદ મળી રહ્યો હતો જ્યારે બહુપક્ષીય અભ્યાસમાં ભારતની સેનાને તક મળે છે અને અન્ય દેશો સાથેના અંતર જાણવા મળે છે. ભારતીય નેવી આ અભ્યાસ માટે આગામી તારીખની રાહ જોશે. ઉલ્લેખનીય છે કે આ અભ્યાસમાં અમેરિકા, રશિયા સહિતના ૪૨ દેશોને આમંત્રિત કરાયા હતા. કેન્દ્ર સરકારેકહ્યું છે અભ્યાસ માટે આગામી તારીખનું આયોજન કરાઇ રહ્યું છે. નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે, ભારતે આપેલા આમંત્રણને સ્વીકારવા બદલ તમામ દેશોનો આભાર માને છે. ઉલ્લેખનીય છે કે, આ વાયરસનેકારણે અત્યારસુધી વિશ્વમાં ૩,૦૦૦ લોકો મોતને ભેટ્યા છે જ્યારે ૯૦,૦૦૦થી વધુ લોકો તેના શિકાર બન્યા છે.