(એજન્સી) લખનઉ, તા. ૬
કોરોના વાયરસ સામેની લડાઇમાં એકતા દર્શાવવા રવિવારે લાઇટો બંધ કરીને દીપ પ્રગટાવવાની વડાપ્રધાન મોદીના આહવાન પર સમગ્ર દેશના લાખો લોકેએ પાલન કર્યું ત્યારે હરખપદુડા બનેલા ઉત્તરપ્રદેશના ભાજપના મહિલા નેતા મંજુ તિવારીએ બીજો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું હતું. ઝડપથી ફેલાઇ રહેલા વીડિયોમાં ભાજપના આ મહિલા નેતા બૂમો પાડવાની સાથે હવામાં બંદૂકથી ફાયરિંગ કરી રહેલા દેખાય છે. કોરોના વાયરસ સામે લડાઇમાં એકતા દર્શાવવાના નવ વાગે નવ મિનિટ કાર્યક્રમમાં ફાયરિંગ બદલ ઉત્તરપ્રદેશ પોલીસે મંજુ તિવારી સામે ફરિયાદ દાખલ કરી છે. આ કૃત્ય બાદ તેમના પતિ દ્વારા લેવાયેલા વીડિયોને પોતે ફેસબૂક પર શેર કર્યો હતો. જેમાં કેપ્શન લખી હતી કે, ‘‘દીપ જલાને કે બાદ, કોરોના વાયરસ ભગાતે હુએ’’.
જોકે, બાદમાં ટીકાઓનો ભોગ બનતા તેમણે માફી માગી હતી અને કહ્યું હતું કે, તેમને દિવાળી જેવો ઉત્સવ લાગતા તેમણે આવું કર્યું. સમાચાર એજન્સી અનુસાર મહિલા મોરચાના પ્રમુખ તિવારીએ કહ્યું કે, મેં જોયું કે, સમગ્ર શહેર મીણબત્તી અને દિવાઓથી જળહળી ઉઠ્યું છે. મને દિવાળી જેવો માહોલ લાગ્યો અને ઉત્સાહમાં આવીને હવામાં ફાયરિંગ કર્યું. હું મારી ભૂલ કબૂલ કરૂં છું અને માફી માગું છું. તિવારી બલરામપુરના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ છે. તેમની સામે હથિયાર ધારાની કલમ લગાવાઇ છે. આ અંગે યુપી કોંગ્રેસે વીડિયો ટિ્‌વટ કર્યો હતો અને કહ્યું કે, ‘ભાજપના નેતાઓ હંમેશા કાયદો તોડવામાં આગળ હોય છે. પીએમે કહ્યું કે, દીવા પ્રગટાવો અને આ નેતાએ હવામાં ફાયરિંગ કર્યું અને ફેસબૂક પર વીડિયો પોસ્ટ કર્યો. શું યોગી આદિત્યનાથ પગલાં લેશે? કોરોના વાયરસના અંધકાર સામે લડવા માટે વડાપ્રધાન મોદીએ ઘરની લાઇટો બંધ કરીને દીવા પ્રગટાવવાનું આહવાન કર્યું હતું. આમાં તેમને હેતુ એકતા દર્શાવવાનો હતો.

રવિવારે નવ મિનિટના આયોજન દરમિયાન ઉજવણીમાં ફાયરિંગ
કરવા બદલ યુપી ભાજપના નેતા વિરૂદ્ધ ફરિયાદ દાખલ

રવિવારે રાતે સમગ્ર દેશ ઘરની લાઇટો બંધ કરીને દીવા તથા મીણબત્તી સળગાવી રહ્યો હતો ત્યારે કેટલાક લોકોએ આને દિવાળી સમજીને ફટાકડા પણ ફોડ્યા હતા. આવી જ ઉજવણીમાં ભાજપના બલરામપુર મહિલા મોરચાના પ્રમુખે અલગ રીતે ઉજવણી કરતા હવામાં ફાયરિંગ કર્યું હતું. મંજુ તિવારીએ આ માટે પોતાના પતિ ઓમપ્રકાશ તિવારીની લાયસન્સ વાળી પિસ્તો લઇને હવામાં ફાયરિંગ કર્યું હતું. જોકે, તેનો વીડિયો તેમના પતિએ જ બનાવ્યો હતો. બાદમાં મંજુએ પોતાનો વીડિયો ફેસબૂક પર મુક્યો હતો. કોંગ્રેસે આ વીડિયો મુકીને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પગલાં લેવા તાકીદ કરી હતી. કોંગ્રેસે કહ્યું કે, ‘ભાજપના નેતાઓ હંમેશા કાયદો તોડવામાં આગળ હોય છે. પીએમે કહ્યું કે, દીવા પ્રગટાવો અને આ નેતાએ હવામાં ફાયરિંગ કર્યું અને ફેસબૂક પર વીડિયો પોસ્ટ કર્યો. શું યોગી આદિત્યનાથ પગલાં લેશે? મહિલા નેતા દ્વારા માફી માગ્યા બાદ યુપી પોલીસે તેમની સામે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, મહિલા મોરચાના પ્રમુખ સામે હથિયારધારા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ફાયરિંગનો વીડિયો સામે આવતાં યુપી ભાજપ નેતાને પદ પરથી ‘હટાવાયાં’

વડાપ્રધાન મોદીની અપીલ પર રવિવારે રાતે ફાયરિંગ કરીને વીડિયો પોસ્ટ કરવા બદલ વિવાદમાં ઘેરાયેલા યુપીના બલરામપુરના ભાજપ મહિલા મોરચાના નેતા મંજુ તિવારી સામે ફરિયાદ દાખલ થઇ છે. સોશિયલ મીડિયા પર ટીકા થયા બાદ તેમણે પોતાની પોસ્ટ અને કૃત્ય બદલ માફી માગી હતી. ફરિયાદ દાખલ થવાની સાથે જ મંજુ તિવારીને જિલ્લા મહિલા પ્રમુખના પદેથી હટાવી દેવાયા છે. ઉત્તરપ્રદેશ ભાજપના પ્રવક્તા મનિષ શુક્લાએ કહ્યું કે, આ અંગે જિલ્લા પાર્ટી પ્રમુખ પાસેથી અહેવાલ મગાવ્યો છે અને નિર્ણયની પાર્ટી હાઇકમાન્ડને જાણ કરાશે. દર્શનસિંહ દ્વારા યોજેલી પત્રકાર પરિષદમાં યુપી ભાજપ મહિલા મોરચાએ જાણ કરી હતી કે, પાર્ટી વિરોધી વિચારધારાને વ્યક્ત કરવા બદલ મંજુ તિવારીને તેમના પદેથી હટાવવામાં આવે છે.

‘દિવાળી જેવું લાગ્યું’ : પીએમના આહ્‌વાન પર ફાયરિંગ કર્યા બાદ ભાજપ નેતાની પ્રતિક્રિયા

આશ્ચર્યજનક રીતે વડાપ્રધાન મોદીના આહવાનને પગલે યુપી બલરામપુરના મહિલા મોરચાના અધ્યક્ષે એકદમ ઉલ્ટું કૃત્ય કર્યું છે. મંજુ તિવારી નામના ભાજપના મહિલા નેતાએ દીપ પ્રગટાવ્યા બાદ હવામાં ફાયરિંગ કર્યું હતું. તેમણે પોતાના પતિની લાયસન્સવાળી પિસ્તોલ લઇને હવામાં ફાયરિંગ કર્યું હતું. આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થતા યુપી પોલીસ એક્શનમાં આવી હતી. મંજુના આ કૃત્યને તેમના પતિએ જ કેમેરામાં કેદ કરીને તેમના ફેસબૂક પેજ પર મુક્યો હતો. બાદમાં માફી માગતા મંજુએ કહ્યું કે, તેમને દિવાળી જેવો માહોલ લાગતા ઉત્સાહિત થઇ ગયા હતા. તેમણે કહ્યું કે, ‘‘મેં જોયું કે, સમગ્ર શહેર મીણબત્તી અને દીપથી ઝળહળી ઉઠ્યું છે, મને આ દિવાળી જેવો માહોલ લાગ્યો અને ઉત્સાહમાં આવીને હવામાં ફાયરિંગ કર્યું. હું મારી ભૂલ કબૂલ કરૂં છું અને આ માટે માફી માગું છું.’’