(એજન્સી) તા.૨૮
૨૧મી સદીમાં પણ ભારતના અનેક વિસ્તારોમાં આજે પણ અંધવિશ્વાસની બોલબાલા છે. પોતાના ઈષ્ટ દેવતાને મનાવવા અનેક લોકો આજે પણ વિચિત્ર અનુષ્ઠાન કરે છે. આવો જ એક કિસ્સો ઓડિશાના કટક જિલ્લામાં બન્યો છે જ્યાં એક મંદિરના પૂજારીએ નરબલિ જેવો જ ઘન્ય અપરાધ કરી દીધો.
પોતાનો ગુનો કબૂલતાં પૂજારીએ કહ્યું કે, તેણે દેવતાઓના આહ્વાન અને કોરોના વાયરસની મહામારીનો ખાત્મો કરવા માટે મંદિરની અંદર એક માનવબલિ આપી હતી. મીડિયાના અહેવાલ અનુસાર પૂજારીએ અનુષ્ઠાન કરવા માટે એક સ્થાનિક યુવકનું માથું વાઢી નાખી તેને મોતને ઘાટ ઊતારી દીધો હતો.
ઘટના બુધવારે રાત્રે ઓડિશાના કટક જિલ્લાના નરસિંહપુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા બાંદહૂડા નજીક એક મંદિરમાં બની હતી. આરોપી પૂજારીની ઓળખ સંસારી ઓઝા(૭૨) તરીકે થઇ હતી જે બાંધામાં બુદ્ધ બ્રાહ્મણી દેવી મંદિરનો પૂજારી છે. પછી તેણે અપરાધ કર્યાના તાત્કાલિક પછી પોલીસ સામે આત્મસમર્પણ કરી દીધું હતું. મૃતક યુવકની ઓળખ સરોજ કુમાર પ્રધાન(૫૨) તરીકે થઈ હતી.
માહિતી અનુસાર પોલીસે સરોજ કુમાર પ્રધાનની લાશને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી. પોલીસે હત્યામાં વપરાયેલા હથિયારો પણ કબજે લીધા હતા. પૂજારીએ પોતાનો ગુનો સ્વીકારતાં કહ્યું કે, મંદિરમાં ત્યાગ અંગે તેની અને પ્રધાન વચ્ચે ચર્ચા થઈ હતી. તે ઝઘડામાં રૂપાંતરિત થતાં પૂજારીએ ધારદાર હથિયારી તેની હત્યા કરી દીધી.