કોરોના ને હળવાશથી લેવાની ભૂલ ભારે પડી શકે
કોરોનાથી સાજા થયા બાદ બ્લ્ડપ્રેશર થાઈરોઈડ ત્યારબાદ ડાયાબિટીસની બીમારી લાગુ પડી • અંધારામાં રાત્રે દેખાવાનું પણ ઓછું થઇ ગયું

વડોદરા,તા.૨૯
કોરોના વાયરસને લોકો હળવાશમાં લેવાની ભૂલ કરી રહ્યા છે, પરંતુ આ ભૂલ લોકોને ભારે પડી શકે છે. હળવાશમાં લીધા બાદ શું થઈ શકે છે તેનો મોટો કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. વડોદરામાં કોરોના વાયરસના કારણે એક મહિલાનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જીવન બરબાદ થઈ ગયું છે. મહિલાને હવે હોસ્પિટલોના ચક્કર લગાવવા પડી રહ્યા છે.
વડોદરાના નિઝામપુરામાં રહેતા મીનાબેન રાઠોડને સપ્ટેમ્બર માસમાં કોરોના થયો હતો. બાદમાં તેમને હોસ્પિટલમાં સારવાર મેળવી કોરોનાને માત્ર ૧૫ દિવસમાં હરાવી દીધો હતો. મીનાબેન કોરોનાથી તો સાજા તો થઈ ગયા, પરંતુ બાદમાં કોરોનાની ઘાતક અસર તેમનામાં જોવા મળી. કોરોના પહેલા મીનાબેન રાઠોડ એકદમ સ્વસ્થ હતા. પરંતુ કોરોના બાદ મીનાબેનને સૌપ્રથમ બ્લડ પ્રેશરની નવી બીમારી લાગી. બ્લડ પ્રેશરની બીમારીની હજી સારવાર લઈ રહ્યા હતા ત્યાં તો તેમને ફરીથી શરીરમાં અશક્તિ લાગવા લાગી. જેથી તેમને થાઈરોઈડનો રિપોર્ટ કઢાવ્યો. મીનાબેનનો થાઈરોઈડનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. જેથી તેમને થાઈરોઈડની બીમારી પણ લાગી ગઈ. બે રિપોર્ટ કઢાવ્યા બાદ પણ સારું ન થતાં ડોકટરે તેમને ડાયાબિટીસનો રિપોર્ટ કઢાવવા માટે સલાહ આપી. જેથી તેમને ડાયાબિટીસનો રિપોર્ટ કઢાવતા પહેલીવારમાં જ ડાયાબિટીસ ૭૩૨ આવ્યું. જેથી ડોક્ટર પણ ચિંતિત થઈ ગયા. આ ઉપરાંત મીનાબેનને રાત્રે દેખાવાનું પણ ઓછું થઈ ગયું.
મીનાબેન રાઠોડ કહે છે કે કોરોનાએ તેમનું જીવન બરબાદ કરી નાખ્યું છે. છેલ્લા ઘણા મહિનાઓથી તેઓ હોસ્પિટલોના ચક્કર લગાવી રહ્યા છે. કોરોના પહેલા એક પણ દવા લેતી ન હતી. પરંતુ કોરોના બાદ દવાઓ જ લેવી પડી રહી છે. જ્યારે મીનાબેનના પુત્ર સલીમ રાઠોડ કહે છે કે કોરોનાને લોકોએ ગંભીરતાથી લેવાની જરૂર છે. કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવું જોઈએ.
આ વિશે વડોદરાના હોમિયોપેથિક તબીબ ડોકટર રાજેશ શાહ કહે છે કે, આવા અનેક દર્દીઓ મારી પાસે આવે છે જેમને કોરોના બાદ અન્ય બીમારીઓ લાગી જાય છે. ડો.રાજેશ શાહ પોસ્ટ કૉવિડ દર્દીઓને મફતમાં હોમિયોપેથિક દવા આપે છે. જે અન્ય બીમારીઓથી સારા થવામાં મદદરૂપ થાય છે. મહત્વની વાત છે કે, કોરોનાના નિયમોનું લોકો હજી પણ પાલન નથી કરી રહ્યા. લોકો માસ્ક નથી પહેરતા, સોશિયલ ડિસ્ટન્સ નથી રાખતા. તેમજ ગાઈડલાઈનનું પાલન નથી કરી રહ્યા. ત્યારે આવા લોકો માટે મીનાબેન રાઠોડનું ઉદાહરણ સબક સમાન છે.