કોરોનાકાળમાં આ વખતનો ગણતંત્ર દિવસ ઘણો જ અલગ હશે. આ વખતે બ્રિટિશ પીએમ બોરિસ જોહન્સન ભારત પ્રવાસે આવવાના હતા અને પ્રજાસત્તાક દિવસ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ભાગ લેવાના હતા. બ્રિટિશ પીએમ બોરિસ જોહન્સને આજ સવારે પીએમ મોદી સાથે ફોન પર વાત કરીને ભારત પ્રવાસે આવવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. બોરિસ જોહન્સને પીએમ મોદીને કહ્યું કે, ગત રાત્રે કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કારણે લોકડાઉન લગાવવું પડ્યું છે, આ કારણે તેમનું આવા સમયે દેશમાં રહેવું જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, ભારતે પ્રજાસત્તાક દિવસ માટે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોહન્સનને સમારંભના મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપ્યું હતુ, જેને જોહન્સને ડિસેમ્બરમાં સ્વીકાર્યું હતું. તેમની ઓફિસ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. નોંધનીય છે કે, બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના ઝડપથી કેસ વધી રહ્યા છે. આવામાં કહેવામાં આવી રહ્યું છે કે, યુકેએ વધતા કેસોને જોઈને આ પગલું ઊઠાવ્યું છે. કોરોના વાયરસના નવા સ્ટ્રેનના ઝડપથી ફેલાવાના ખતરાને જોતા બ્રિટને સખ્ત લોકડાઉન લાગુ કર્યું છે.
મંગળવારે બોરિસ જોહન્સને કહ્યું કે, સંક્રમણ જેટલું ઝડપથી ફેલાઈ રહ્યું છે તે ઘણું જ દુઃખી કરનારૂં અને ચિંતાજનક છે. અત્યારે દેશની હોસ્પિટલો પર મહામારીનો સૌથી વધારે દબાવ છે. બોરિસ જોહન્સને કહ્યું કે, કોરોનાના કારણે ફેબ્રુઆરીના મધ્ય સુધી નવું નેશનલ લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. સોમવારે રાત્રે દેશને સંબોધિત કરતા બોરિસ જોહન્સને કહ્યું કે, આ દેશ માટે મુશ્કેલ સમય છે. દેશમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, અત્યારે લોકોએ લોકડાઉન દરમિયાન ઘરમાં જ રહેવું પડશે. તેઓ ફક્ત જરૂરી કામ માટે ઘરથી બહાર નીકળી શકે છે.