(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કોરોના વાયરસ અંગે ખૂબ જ મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, આ વાયરસ કુદરતી નથી પણ લેબમાં તૈયાર થયો છે. ગડકરીએ સમાચાર ચેનલ એનડીટીવી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આપણે આ સમયે કોરોના વાયરસ સામે આર્થિક લડાઈ પણ લડી રહ્યા છે. ગડકરીએ જણાવ્યું હતું કે, ભારત ગરીબ દેશ છે. અમે દર મહિને લોકડાઉનનો સમય વધારી શકતા નથી. સુરક્ષા વિચારો સાથે બજારો ખોલવા પડશે. કોરોના વાયરસના સંક્રમણના મામલા અંગે તેમણે જણાવ્યું હતું કે, અમેરિકા, બ્રિટન અને ઈટાલી જેવા દેશોની સરખામણીએ ભારત સલામત સ્થિતિમાં છે. આ દેશોની સરખામણીએ ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા ઓછી છે. ગડકરીએ જણાવ્યું હતું કે, આપણે કોરોના વાયરસ સાથે જીવતા શીખવું પડશે. આ કુદરતી વાયરસ નથી. વિશ્વના ઘણા દેશો કોરોનાની રસી વિકસાવી રહ્યા છે. હાલ આ ચેપની કોઈ રસી નથી પણ ટૂંક સમયમાં તેની રસી વિકસાવવામાં આવશે ત્યારબાદ કોઈ વાંધો નહીં આવે. હાઈવે પર સામાન્ય વાહનોની અવર-જવર એ માત્ર મારા મંત્રાલય હસ્તક નથી. આ મામલે હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું છે. ગૃહમંત્રાલયને આગ્રહ કરવામાં આવ્યો છે, અમે આશાવાદી છે.