(એજન્સી) નવી દિલ્હી, તા.૭
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ૧૪મી એપ્રિલ બાદ સમગ્ર દેશમાં અમલી લોકડાઉનમાં કેવી રીતે રાહત આપવામાં આવશે ? મેલેરિયા વિરોધી દવા હાઇડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પર લાદવામાં આવેલો પ્રતિબંધ ઉઠાવવા તરફ ભારતને દોરી જનારી બાબતો અંગે અટકળો નહીં કરવાનું જણાવ્યું છે. કેટલાક રાજ્યોની સરકારોના અધિકારીઓએ સોમવારે એવો સંકેત આપ્યો હતો કે લોકડાઉન લંબાવી શકાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવ્યાના કલાકોમાં જ દવાઓની નિકાસ પરનો પ્રતિબંધ આંશિક રીતે ભારત દ્વારા ઉઠાવી લેવામાં આવ્યા બાદ હાઇડ્રોક્સિક્લોરોક્વિન વિશે મીડિયામાં પ્રશ્નો કરવામાં આવ્યા છે. મંગળવારે સવારે દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને ૫૦૦૦ને પાર થઇ ગઇ છે અને મૃત્યુઆંક વધીને ૧૪૨ થઇ ગયો હોવાનું આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે. જ્યારે કોરોના વાયરસના પોઝિટિવ કેસોનો વૈશ્વિક આંકડો ૧૩.૬૦ લાખને પાર થઇ ગયો છે અને ૭૫,૦૦૦ લોકોનાં મોત થયા છે.