(એજન્સી) તા.રપ
કોંગ્રેસે શનિવારે સરકારને કહ્યું હતું કે, કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે રાષ્ટ્રીય સ્તર પર યોજના બનાવવામાં આવે. પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે આ પણ કહ્યું હતું કે, લોકો જ્યારે લોકડાઉનમાં છે ત્યારે અર્થતંત્ર લોકઆઉટ થઈ ગયું છે. એવા સંજોગોમાં સરકારે નક્કર પગલાં લેવાની જરૂર છે. તેમણે એક વીડિયો લિંક મારફતે કહ્યું હતું કે, પ્રધાનમંત્રીજી તમે સલાહ આપો પરંતુ કયારેક કોંગ્રેસ પાર્ટીની પણ સલાહ લો. સિબ્બલે કહ્યું હતું કે, કોવિડ-૧૯ પછી નવું ભારત બનાવવાની જરૂર છે. આપણે બધા એકજૂથ થઈને ભારતને આગળ વધારીએ એ મુદ્દાઓ પર ધ્યાન આપીએ જે દેશને આગળ વધારશે. જેમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય મહત્ત્વના મુદ્દાઓ છે. વડાપ્રધાને આ સ્પષ્ટ કરવું જોઈએ કે આ મુદ્દાઓ પર તેમની યોજના શું છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી આત્મનિર્ભર બનવાની વાત કરે છે, જો ભારતને આત્મનિર્ભર બનવું હોય તો તે કેવી રીતે બની શકે છે. આપણે તો વિદેશી કંપનીઓ પર નિર્ભર છીએ. સિબ્બલે કહ્યું હતું કે, ખનીજ તેલનો ભાવ ર૦ ડોલર થઈ ગયો છે પરંતુ પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે. શું તમે આનો લાભ જનતાને નહીં આપો ? સિબ્બલે દાવો કર્યો હતો કે, નોર્થ બ્લોકમાં બેસી અમલદારો નીતિઓ બનાવે છે પરંતુ તેમને સામાન્ય લોકોની સ્થિતિ અંગે કોઈ જાણકારી નથી.