(એજન્સી) કોલકાતા, તા. ૧૭
કોરોના વાયરસના ભયના પગલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યમાં ૧૮૯૭નો ભયાનક રોગચાળાનો કાયદો લાગુ કર્યો છે. મમતા બેનરજીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, અત્યારસુધી કુલ ૧૩ રાજ્યો ૧૮૯૭નો કાયદો લાગુ કરી ચૂક્યા છે. અમે આ કાયદો લાગુ કર્યો ન હતો પરંતુ આજે સવારે આના સંક્રમણના ૧૦ શંકાસ્પદ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવતા તેઓ નારાજ હતા અને નોર્થ ૨૪ પરગણા જિલ્લા વહીવટીતંત્રને પૂછાયું હતું કે આ લોકોને કેમ દેખરેખમાં રાખવામાં આવ્યા છે ત્યારે તેઓએ અહીં હોવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ કાયદો લાગુ કરવા પાછળનું કારણ એ છે કે, લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાની ખાતરી કરી શકાય. તેમણે લોકોને ભય નહીં ફેલાવવા અને પોતાના લક્ષણો નહીં છૂપાવવા પણ કહ્યું હતું. લોકોને ફ્લૂ જેવા લક્ષણો દેખાય તો તેઓ તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરે અને તેમના લક્ષણોને છૂપાવવાની જરૂર નથી તેમ કહેતા તેમણે કહ્યું હતું કે ગભરાવાની જરૂર નથી અને ખોટા સમાચારો નહીં માનવા પણ અપીલ કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે, તમામ શૈક્ષણિક સંસ્થાનો ૧૫મી એપ્રિલ સુધી બંધ રહેશે પરંતુ પરીક્ષાઓ કાર્યક્રમ અનુસાર ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, ૩૧મી માર્ચ સુધી સંકલિત બાળ વિકાસ સેવા(આઇસીડીએસ) બંધ રહેશે. અન્ય જાહેરાતોમાં મમતા બેનરજીએ કહ્યું કે, રાજ્યમાં કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ૨૦૦ કરોડનું ફંડ જાહેર કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં સૈન્ય કર્મીઓ સહિત કુલ ૧૦ લોકો માટે પાંચ લાખનું ઇન્શ્યોરન્સ જાહેર કરવામાં આવે છે જેમાં ડોક્ટરો, નર્સો, મેડીકલ હેલ્પ, મ્યુનિસિપાલિટી અને આશા બહેનો કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સતત કામ કરી રહ્યા છે. આ જીવલેણ વાયરસ ચીનના વુહાન શહેરમાંથી ગયા વર્ષે ફેલાવાવનું શરૂ થયું હતું જેમાં અત્યારસુધી વિશ્વમાં કુલ ૬૦૦૦થી વધુ લોકો મોતને ભેટ્યા છે જ્યારે દોઢ લાખથી વધુ લોકો તેના ચેપથી પીડિત છે.