(એજન્સી) તા.૧૧
પંજાબના મુસ્લિમ ગુજ્જર સમુદાયના લોકો જેઓ દૂધ વેચીને જ પોતાનું ગુજરાન ચલાવે છે તેમના માટે જીવન જીવવું કપરૂં થઇ ગયું હતું કેમ કે, તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવી રહ્યો હતો. તેમને કોરોના વાયરસ ફેલાવવા માટે ખોટી રીતે દોષિત ઠેરવવામાં આવી રહ્યા હતા. જો કે, આ દરમિયાન તેમની સાથે મારપીટની ઘટનાઓ પણ બની હતી. કોઈના દ્વારા તેમનાથી દૂધ ખરીદવામાં ન આવતા અને તેમનો સામાજિક રીતે બહિષ્કાર કરવામાં આવતા તેમની સામે બીજો કોઈ વિકલ્પ રહ્યો નહોતો અને છેવટે તેમણે દૂધ નાળીઓમાં વહાવી દેવું પડ્યું હતું. જો કે, શુક્રવારે પંજાબ સરકારની કેબિનેટ બેઠકમાં આ મુદ્દો ઉછળ્યો હતો. સરકારે આ મામલે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરતાં સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે, આ પ્રકારના સામાજિક બહિષ્કારનો ત્વરિત અંત આવવો જોઈએ. એક સિનિયર કેબિનેટ મંત્રીએ નામ ન જાહેર કરવાની શરતે કહ્યું હતું કે, ગુજ્જર સમુદાયના લોકો દૂધ ન વેચી શકવાને કારણે મુશ્કેલીમાં છે અને આ મુદ્દે અમે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, કેબિનેટ બેઠકમાં તમામ ડેપ્યુટી કમિશનરો માટે નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યો હતો કે, તેઓ આ પ્રકારના કોઈપણ સામાજિક બહિષ્કારની ઘટનાઓને રોકે. તેઓ આવી ઘટનાઓને મંજૂરી ન આપે. આ દરમિયાન પડિયાલા ગામમાં રહેતા સરાજુદ્દીને કહ્યું હતું કે, અમારા ગામના અનેક લોકોનો સામાજિક બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. તેમની પાસેથી કોઈ દૂધ ખરીદી રહ્યું નથી. અમે કર્ફયુને લીધે તલવારામાં ફસાઈ ગયા છીએ. અમે પહેલાં ૪૦ રૂપિયા લીટરના ભાવે દૂધ વેચતા હતા પણ હવે ૧૦થી ૧૫ રૂપિયાના ભાવે વેચવા મજબૂર છીએ. અમને અમારી મૂળ કિંમત પણ મળતી નથી. અમે અમારા ૩૦૦થી વધુ ઢોર ઢાંખરને ખવડાવવા માટે ચારાની વ્યવસ્થા પણ કરી શકી રહ્યા નથી.