(એજન્સી) તા.૧૩
એપ્રિલ, ૨૦૨૦ના બીજા સપ્તાહમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને (આઇએલઓ) એવો દાવો કર્યો હતો કે ભારતના અસંગઠિત ક્ષેત્રના ૪૦૦ મિલિયન કામદારો કોવિડ-૧૯ના કારણે ગરીબીમાં ધકેલાઇ જશે.
દેશમાં ગરીબી વધશે એ બાબતે કોઇ વિવાદ નથી કદાચ તેનું પ્રમાણ ચર્ચાસ્પદ રહેશે. આમ કોવિડ-૧૯ મહામારીએ વિશ્વના અર્થતંત્રને મંદીમાં ધકેલી દીધું હશે, પરંતુ ભારત સહિત કેટલાક દેશોના અબજોપતિની સંપત્તિમાં છેલ્લા કેટલાક મહિનામાં જબરજસ્ત સુધારો જોવા મળે છે. અમેરિકામાં માર્ચથી ત્રણ મહિનામાં અબજોપતિની સંપત્તિમાં ૫૬૫ અબજ ડોલરનો વધારો થયો છે એવું વોશિંગ્ટન ડીસી સ્થિત થિંક ટેંક-ઇન્સ્ટીટ્યૂટ ઓફ પોલિસી સ્ટડીઝ એન્ડ ક્લિયર વોટર દ્વારા પ્રસિદ્ધ થયેલ અહેવાલમાં જણાવાયું છે. જેમ કે એમેઝોનના જેપ બેઝોઝની સંપત્તિમાં જાન્યુ.થી ૨૫ અબજ ડોલરનો વધારો થયો છે કારણ કે કોરાના મહામારીના કારણે હવે ઓનલાઇન શોપિંગ પર વધુ આધાર રાખ્યો છે.
એ જ રીતે મહામારીમાં યુએસએના ઝૂમના સીઇઓ એરીક યુઆન અને સ્કાઇપેની માલિકી ધરાવતા માઇક્રોસોફ્ટના પૂર્વ સીઇઓ સ્ટીવ વોલમેરની પણ સંપત્તિમાં વધારો થયો છે. ફેસબુકના માર્ક ઝકરબર્ગની સંપત્તિ ઝડપથી વધી રહી છે અને આ વર્ષે તેમની સંપત્તિમાં ૯.૧ અબજ ડોલરનો વધારો થયો છે. ભારતમાં મુકેશ અંબાણીની નેટવર્થ ૧૦, ઓગસ્ટના રોજ વધીને ૭૯.૩ અબજ ડોલર થઇ છે અને તેના કારણે તેઓ વિશ્વના ચોથા નંબરના સૌથી ધનાઢ્ય બન્યાં છે.
આ વર્ષે મુકેશ અંબાણીની સંપત્તિમાં ૨૨ અબજ ડોલરનો વધારો થયો છે. એ જ રીતે ભારતની મોટી ફાર્મા કંપનીઓના શેરમાં પણ ભારે ઉછાળો આવ્યો છે. ભારતીય એરટેલના સુનિલ મિત્તલ અને અદાણી ગ્રુપના ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ ખૂબ જ વધારો થયો છે. આમ કેટલાક અબજોપતિઓના હાથમાં સંપત્તિનું વરવું પ્રદર્શન જોવા મળે છે તે માટે ભારતે તમામ ભારતીયોને ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવાના જરુરી લક્ષ્યાંકોને પહેચી વળવા માટે તેમની સંપત્તિનો કેટલોક ભાગ પ્રાપ્ત કરવાની પસંદગી કરવાની જરૂર છે.