(એજન્સી) નવી દિલ્હી, તા.૨
ગૃહમંત્રાલયે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના પગલે અન્ય રાજ્યોમાં ફસાઈ ગયેલા લોકોને તેમના રાજ્યમાં પરત ફરવાની પરવાગનગી આપી દેતા જામિયા મિલ્લિયા ઈસ્લામિયાએ શુક્રવારે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તેઓ હોસ્ટેલના રૂમ ખાલી કરી તેમના ઘરે ચાલ્યા જાય. કોરોના વાયરસ મહામારીના કારણે યુનિવર્સિટી હાલ બંધ છે. અને નિયમિત વિદ્યાર્થીઓ માટે ઓગસ્ટમાં વર્ગો શરૂ થશે. અને નવા શૈક્ષિણક સત્રની શરૂઆત સપ્ટેમ્બરથી થશે. જામિયાએ કહ્યું હતું કે, “પહેલા હોસ્ટેલમાં ફસાયેલા વિદ્યાર્થીઓ તેમના ઘરે જઈ શકતા ન હતા. તેમને હવે નિર્દેશ આપવામાં આવે છે. તે તેઓ રાજ્ય સરકારોના નિયમો અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા મુજબ હોસ્ટેલ ખાલી કરી દે.” યુનિવર્સિટીએ કહ્યું હતું કે સમારકામ અને ક્વોરન્ટાઈન સુવિધા ઉભી કરવા માટે હોસ્ટેલ ખાલી કરાવવાની જરૂર પડી છે.