(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૧૭
જિલ્લા કલેકટર આયુષ ઓકની અધ્યક્ષતામાં જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ અંતર્ગત થયેલી કામગીરી અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
સમગ્ર અમરેલી જિલ્લામાં અંદાજે ૫૦ બેડના આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં અમરેલી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ૨૫ બેડની વ્યવસ્થા તેમજ ૫ ખાનગી હોસ્પિટલો સાથે એમ.ઓ.યુ. કરી ૪ અમરેલીની અને ૧ સાવરકુંડલાની હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં અમરેલીના શિક્ષણ તાલીમ ભવન ખાતે ૩૦ બેડની, ચિતલ સી.એચ.સી ખાતે ૧૫ બેડની અને લીલીયા સી.એચ.સી ખાતે ૨૦ બેડ એમ કુલ મળી ૬૫ જેટલા બેડની કોરન્ટાઈન ફેસીલીટી ઊભી કરવામાં આવી છે. પીપાવાવ પોર્ટ ખાતે ૨૪ કલાક મેડિકલ ટીમ અને વેન્ટીલેટર એમ્બ્યુલેન્સને હાજર રાખવામાં આવે છે અને એમના દ્વારા પોર્ટ ઉપર થતી અવર-જવર ઉપર દેખરેખ રાખવામાં આવે છે.
અમરેલી જિલ્લામાં ૨૧ જેટલા મુસાફરોનું હોમ કોરન્ટાઈન પૂર્ણ થયેલ છે અને ૨૪ જેટલા મુસાફરો હોમ કોરન્ટાઇન હેઠળ છે. આ તમામ કેસોનું દૈનિક હેલ્થ ચેક-અપ અને સ્ટેટસની કામગીરી કરવામાં આવે છે. જિલ્લાના જન સેવા કેન્દ્રો, પોલીસ સ્ટેશન, સબ રજિસ્ટ્રાર ઓફિસ જેવી તમામ સરકારી કચેરીઓ ઉપર લોક જાગૃતિ માટે પોસ્ટર-બેનર્સ લગાવવામાં આવશે જિલ્લાના જન સેવા કેન્દ્રો, પોલીસ સ્ટેશન, સબ રજિસ્ટ્રાર ઓફિસ જેવી તમામ સરકારી કચેરીઓ ઉપર લોક જાગૃતિ માટે પોસ્ટર-બેનર્સ લગાવવામાં આવશે જિલ્લાના તમામ સરકારી આયુર્વેદિક દવાખાનાઓમાં વિનામૂલ્યે કોરોના પ્રતિરોધક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ હાથ ધરવામાં આવ્યું છે.
આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ લેખિતમાં તમામને સૂચના આપી છે. અમરેલીમાં સુરતથી આવતી ફ્લાઈટ્‌સની દેખરેખ કરવામાં આવી રહી છે. માસ્ક અને સેનિટાઇઝર્સ જેવી આવશ્યક ચીજવસ્તુઓના જથ્થા અંગે સબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા પણ કરવામાં આવી છે. રાજુલાની રામકથા સહિતના જિલ્લામાં તમામ જાહેર કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે.